All About Breaking News

Friday, 12 September 2014

મને કહે તો ખરાં, તારી લાઇફમાં હું ક્યાં છું?

મને કહે તો ખરાં, તારી લાઇફમાં હું ક્યાં છું?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

તુમ મેરે પાસ હોતે હો ગોયા, જબ કોઈ દૂસરા નહીં હોતા!
તુમ હમારે કિસી તરહ ન હુએ, વર્ના દુનિયા મેં ક્યા નહીં હોતા?
-મોમીન

લોહીના સંબંધ વધુ ગાઢ હોય છે કે લાગણીના? લાઇફમાં આપણે ભાઈ સાથે નજીક હોઈએ છીએ કે મિત્ર સાથે? પત્ની કે પ્રેમિકાના આગમન પછી બહેન પ્રત્યેના સ્નેહમાં કોઈ ફર્ક આવે છે ખરો? કોઈ આદરણીય વ્યક્તિને કહીએ કે તમે તો મારા ફાધર જેવા છો ત્યારે પિતા પ્રત્યેની લાગણીમાં કોઈ બદલાવ આવતો હોય છે? આમ તો એવું કહેવાય છે કે સંબંધ સંબંધ હોય છે, એમાં કોઈ ક્રાયટેરિયા નથી હોતા. કોઈ કારણો નથી હોતાં. કોઈ અભાવ પણ નથી હોતો. દરેક સંબંધ એની જગ્યાએ મહાન હોય છે. માણસ ક્યારેય કોઈ એક સંબંધમાં જીવતો હોતો નથી. માણસ એક સંબંધમાં જીવી પણ ન શકે. આપણે અનેક સંબંધો જીવતા હોઈએ છીએ. આ સંબંધો વચ્ચે બેલેન્સ જાળવવાનું ઘણી વખત અઘરું બની જતું હોય છે.
એક પતિ-પત્ની હતાં. બંને ખૂબ જ પ્રેમથી રહે. કોઈ મુશ્કેલી કે સમસ્યા આવે ત્યારે બંને સાથે મળીને નિર્ણય કરે. દરેક વખતે સમસ્યા મોટી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક નાના સવાલો પણ માણસને વિચારતા કરી દે છે. એક વખત એવું થયું કે પત્નીની ફ્રેન્ડના ઘરે એક પ્રસંગ હતો. ફ્રેન્ડે તેની બહેનપણીને કહ્યું કે આપણે ઘણા સમયથી નથી મળ્યા. આ વખતે તો તારે તારા હસબન્ડ સાથે આવવાનું જ છે. પત્નીએ પોતાની બહેનપણીને પ્રોમિસ આપ્યું કે હું ચોક્કસ આવીશ. બીજી તરફ થયું એવું કે એ જ સમયે પતિના ફ્રેન્ડના ઘરે પાર્ટી હતી. તારી પાર્ટી હોય ને હું ન આવું? સ્યોર આવીશ. પતિ-પત્નીએ એકબીજાને વાત કરી તો સવાલ એ આવ્યો કે ક્યાં જવું? બંનેને જવું હતું તો સાથે જ એટલે તું તારી ફ્રેન્ડને ત્યાં જઈ આવ અને હું મારા મિત્રને ત્યાં જઈ આવું એવી વાત કરવાનો કોઈ મતલબ ન હતો.
આવા નાનકડા ઇસ્યૂ ઘણી વખત ઝઘડાનું કારણ બની જતા હોય છે. તારા માટે તારા ફ્રેન્ડ્સ જ મહત્ત્વના છે. મારા મિત્રોનું કંઈ નહીં? તને તારા સિવાય કોઈનો વિચાર જ નથી આવતો. દર વખતે મારે જ ભોગ આપવાનો? મારે જ જતું કરવાનું? મારી કંઈ ઇચ્છા જ ન હોય? માણસને ઘણી વખત એ સમજાતું જ નથી કે આપણે કોઈના માટે આપણી વ્યક્તિ સાથે લડતા હોઈએ છીએ. જોકે,આ પતિ-પત્ની એવાં ન હતાં. બંનેએ કહ્યું કે તો હવે શું કરીશું? ઝઘડો કરવાના બદલે બંનેએ ઊંધું જ કર્યું. જવા દે, મારા ફ્રેન્ડને ત્યાં નથી જવું, તારી ફ્રેન્ડને ત્યાં જઈએ. પત્નીએ કહ્યું કે ના તું પણ તારા કામમાંથી ક્યાં નવરો થાય છે. માંડ તારા ફ્રેન્ડ્સને મળવાનો મોકો મળ્યો છે, આપણે તારા ફ્રેન્ડને ત્યાં જઈશું. ઘણી વખત પ્રેમ પણ પ્રશ્નો સર્જતો હોય છે. બંને સમજુ હોય ત્યારે આવું થતું હોય છે. તું કહે એમ જ કરવું છે એવું બંને કહેતાં હોય ત્યારે સવાલ ઊઠતો હોય છે કે કોણ કહે એમ કરવું? કોઈ ઉકેલ નહોતો મળતો એટલે આખરે બંનેએ આખી ઘટનાને હળવાશથી લઈને કહ્યું કે છોડ બધું, આપણે કિંગ-ટોસ કરી નાખીએ!
જોકે, દરેક સંબંધમાં કિંગ-ટોસ કરી શકાતા નથી. નિર્ણયો લેવા પડે છે. આ નિર્ણય લેતી વખતે કોઈના દિલને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવું પડતું હોય છે. કોઈ હર્ટ ન થાય એવું કરવામાં ઘણી વખત માણસ પોતે હર્ટ થાય એવું ડિસિઝન પણ લઈ લેતો હોય છે. પોતાની લાગણી દબાવી દેતો હોય છે. સંબંધો ઘણી વખત એવા સવાલ કરતા હોય છે જેના જવાબો માણસને મળતા નથી.
જ્યારે પોતાની વ્યક્તિ એવો સવાલ કરે કે તું મને કહે તો ખરાં કે તારી લાઇફમાં હું ક્યાં છું? આપણી દરેક વ્યક્તિ આપણી લાઇફનો એક ભાગ હોય છે. દરેક માટે પોતાનો પ્રેમી કે પ્રેમિકા, પતિ કે પત્ની જિંદગીનો સૌથી નજીકનો હિસ્સો હોય છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે નજીકનો બીજો સંબંધ આપણો સમય અને સાથ માગે છે. માણસને માત્ર એક જ વ્યક્તિ વહાલી નથી હોતી, ઘણા બધા પ્રત્યે લાગણી હોય છે. કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિની નજીક હોય ત્યારે માણસને એવું થાય છે કે હું એનું સ્થાન ક્યારેય લઈ શકવાની નથી. સાચી વાત તો એ છે કે કોઈનું સ્થાન લેવાનો ક્યારેય પ્રયત્ન પણ ન કરવો જોઈએ. દરેકનું એક ચોક્કસ સ્થાન હોય છે. એના પૂરતી વફાદારી હોય એ પૂરતું છે. માણસ જ્યારે એવું ઇચ્છવા લાગે કે એની જિંદગીમાં મારા સિવાય કોઈનું સ્થાન ન હોવું જોઈએ ત્યારે પ્રોબ્લેમની શરૂઆત થાય છે.
પોતાના સ્થાનનું ભાન હોવું એ સંબંધની સૌથી મોટી સમજદારી છે. તું હવે એનો જ થઈ ગયો છે, મારો રહ્યો નથી. મા ક્યારેક પત્ની વિશે દીકરાને આવું કહે છે તો પત્ની ક્યારેક પતિને માતા કે પરિવારના અન્ય સભ્યો માટે આવું કહે છે. મિત્રોમાં પણ એવું થતું હોય છે કે એ એનાથી વધુ નજીક છે અને મારાથી થોડોક દૂર છે. પોતાનો મિત્ર જ્યારે તેના નવા મિત્ર તરફ વધુ ઢળે ત્યારે પણ માણસને ઈર્ષા થવા લાગે છે. માણસ કોઈને છુટ્ટો મૂકી જ શકતો નથી. સંબંધો પકડી રાખવાની ચીજ નથી. સંબંધને પકડવાના જેટલા વધુ પ્રયાસ કરશો એટલું સંબંધો તૂટવાનું કે ઘટવાનું વધુ જોખમ રહેશે.
મારે કોની સાથે સંબંધ રાખવા એ તારે નક્કી કરવાનું છે? મારું મન થાય એની સાથે હું સંબંધ રાખીશ. તારા પ્રત્યે લાગણી છે એનો મતલબ એવો કે મારે તું કહે એમ જ કરવાનું, તું કહે એની સાથે જ બોલવાનું, તું કહે એના ઘરે જ જવાનું અને તું કહે એને જ ઘરે બોલાવવાનો? મારી મરજીનું કંઈ નહીં? જ્યારે આપણને એવું લાગે કે આપણી વ્યક્તિ કે આપણો મિત્ર ખોટો સંગ કરી રહ્યો છે ત્યારે તેને પ્લસ-માઇનસ પોઇન્ટસ સમજાવવામાં કંઈ ખોટું નથી, પણ જબરજસ્તીથી કોઈને રોકવાનો ઘણી વખત કોઈ અર્થ હોતો નથી. અમુક વખતે માણસ અનુભવે જ સમજતો હોય છે. તમે કોઈને ચેતવી શકો પણ તેને અટકાવી તો ન જ શકો.
માણસ જ્યારે સાચો પડે ત્યારે એની જવાબદારી હોય એના કરતાં વધી જતી હોય છે. કોઈને તમે રોકો અને એ ન માને તો એને જવા દો, પણ જો પછડાટ ખાય તો પછી એને એની ભૂલનો અહેસાસ ન કરાવો. પોતાની ભૂલનો અહેસાસ તો એને થઈ જ ગયો હોય છે. હું તને કહેતો હતો ને પણ તારે ક્યાં કોઈનું સાંભળવું છે. તારે તો તારા મનનું ધાર્યું જ કરવું હતું, હવે ભોગવ! હવે તને સમજાય છે ને કે હું સાચું કહેતો હતો. આપણે તું ખોટો હતો અને હું સાચો હતો એ જતાવવામાં પણ ઘણી વખત પડેલી વ્યક્તિને પાટા મારતા હોઈએ છીએ. આવા સમયે પડેલાને હાથ આપવાનો હોય છે, ઊભો કરવાનો હોય છે. હશે, જવા દે, થઈ ગયું, આટલેથી પત્યું. આપણને ખબર તો પડી ગઈ. મગજમાંથી એ વાત કાઢી નાખ. સંબંધો બહુ નાજુક હોય છે. સંબંધની માવજત કોમળ હૃદયથી જ થઈ શકે. આપણી વ્યક્તિ તો જ આપણી રહે જો આપણે એને આપણી રહેવા દઈએ. જાકારો આપીને, નારાજ થઈને કે કોઈનાથી દૂર હડસેલીને આપણે ક્યારેય કોઈ વ્યક્તિને આપણી કરી શકતા નથી. નજીક રહેવા માટે નજીક હોવું સૌથી વધુ જરૂરી છે.
છેલ્લો સીન
બુદ્ધિપૂર્વક આચરેલો અન્યાય હિંસા કરતાં વધુ ભયાનક હોય છે. -નિત્શે

('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 30 માર્ચ, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

Send feedback on

rajmcprojects@gmail.com

તમને ખબર છે, તમે કેટલા દુઃખી છો?


તમને ખબર છે, તમે કેટલા દુઃખી છો?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ઝમીન દી હૈ તો થોડા સા આસમાન ભી દે,
મેરે ખુદા, મેરે હોને કા કુછ ગુમાન ભી દે.
-નિદા ફાઝલી.

સુખ અને દુઃખની સૌથી મોટી ખૂબી શું છે? સુખ હંમેશાં ઓછું લાગે છે અને દુઃખ હંમેશાં વધુ લાગે છે. બંને જેટલાં હોય એટલાં આપણે અનુુભવી જ શકતા નથી. સુખ હોય તો પણ આપણે ગાતા ફરીએ છીએ કે થોડા હૈ થોડે કી જરૂરત હૈ. સુખથી જેને સંતોષ હોય એવા લોકો ખરેખર સુખી હોય છે. સુખ એન્ડલેસ છે. સુખનો કોઈ છેડો નથી. સુખનું કોઈ પૂર્ણવિરામ નથી. એક પછી એક તમન્નાઓ ઊઘડતી જ રહે છે. મોટા ભાગના સફળ કે ધનવાન લોકોને પૂછો તો એવો જ જવાબ મળશે કે અમે તો ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે આટલું મળશે. આમ છતાં એ લોકો એવું નથી કહી શકતા કે અમે સુખી છીએ.
સુખને જીવવા કરતાં દુઃખને વાગોળવાની લોકોને મજા આવતી હોય છે. પોતાનું રાઈ જેવડું દુઃખ પણ માણસને પહાડ જેવડું લાગે છે. લોકો સુખનું સ્મરણ રાખી શકતા નથી અને દુઃખની આખી યાદી તેમને કંઠસ્થ હોય છે. ગઈકાલે મળેલા સુખને યાદ કરતા નથી અને દસ વર્ષ પહેલાંના દુઃખને ભૂલતા નથી. દરેક માણસ કોઈ ને કોઈ અસંતોષ સાથે જીવે છે. કોઈને પગારના આંકડાથી સંતોષ નથી તો કોઈને નફો પૂરતો લાગતો નથી. કોઈને પ્રમોશન ન મળવાની પીડા છે તો કોઈને નસીબ સામે જ વાંધો છે. દરેકને પોતાના પ્રશ્નો છે અને દરેકના મનમાં એ જ વાત રમતી રહે છે કે તમે મારી જગ્યાએ હોવ તો તમને ખબર પડે. દરેક પોતપોતાની જગ્યાએ જ હોય છે અને દરેક પાસે પોતાના પૂરતું સુખ અને દુઃખ હોય જ છે. દરેક પાસે પોતાની પીડા છે, પોતાની વેદના છે, પોતાની વ્યથા છે, પોતાની કથા છે, પોતાનો પ્રેમ છે, પોતાનો વિરહ છે, પોતાની યાદો છે, પોતાની ફરિયાદો છે, પોતાનો અહેસાસ છે અને પોતાનો વિશ્વાસ છે.
દરેક સુખની અનુભૂતિ અને તમામ દુઃખનો અહેસાસ થવો જ જોઈએ. જેને કોઈ જ દુઃખ જરાસરખી પણ પીડા નથી આપતું એ જડ છે. સવાલ એ હોય છે કે દુઃખનું દુઃખ કેટલું હોવું જોઈએ. કોઈ દુઃખ એ મીટર લઈને આવતું નથી કે આ દુઃખની તીવ્રતા આટલી જ હોવી જોઈએ. માણસની માનસિકતા અને સંવેદનશીલતા જ દુઃખની પીડાને નાની કે મોટી, વિરાટ કે વામન, અતિ કે અલ્પ અસર કરતી હોય છે. વ્યથાની માત્રા દુઃખ જેટલી હોવી જોઈએ. આમ છતાં એ વાત ધ્યાને રાખવા જેવી છે કે દુઃખને ગાયે રાખવાથી કોઈ ફેર પડી જતો નથી. ઘણાં લોકો દુઃખને પકડી રાખે છે. એમાં જ ઘૂંટાયા કરે છે. પોતે બહાર નીકળતા નથી અને આખી દુનિયાને કહેતાં ફરે છે કે હું દુઃખી છું.
એક માણસ હતો. બચપણથી જ તેનું એક સપનું હતું કે એક દિવસ મારું સુંદર મજાનું ઘર હશે. મને ઘરનું જે સુખ નથી મળ્યું એ તમામ સુખ હું મારા બાળકને આપીશ. લગ્ન થયાં. એક દીકરો આવ્યો. જોકે ઘરનું સપનું પૂરું ન થયું. તેનું ઘર હજુયે નળિયાંવાળું જ હતું. નળિયાં પણ પાકાં ન હતાં. ઉનાળાના દિવસોમાં નળિયાં ચીરીને ચાંદરડાં ઘરમાં આવી જતાં હતાં અને વરસાદમાં પાણી ટપકતું હતું. એ માણસ સતત દુઃખી રહેતો કે આવા ઘરની મેં કલ્પના કરી ન હતી. હું મારા દીકરાને કંઈ આપી શકતો નથી. મારા જેવો કમનસીબ આ દુનિયામાં કોઈ નથી.
ચોમાસાની ઋતુ આવી. વરસાદ શરૂ થયો. એ માણસ છતમાંથી ટપકતાં પાણીને જોઈને પોતાની જાતને કોસતો હતો. જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તેણે એક તપેલી રાખી દીધી. પોતાની જગ્યા પર પાછો આવીને બેસી ગયો. નાનો દીકરો ખૂણામાં રમતો હતો. તેની સામે જોઈને એ વિચારતો હતો કે આનાં નસીબ પણ મારા જેવાં જ છે? એની કિસ્મતમાં પણ ટપકતું પાણી જ લખ્યું છે?
તપેલીમાં ટપકતાં પાણીનો ટપ ટપ અવાજ આવતો હતો. બાળકનું ધ્યાન એ તપેલી તરફ ગયું. ભાંખોડિયાં ભરીને એ તપેલીની પાસે આવ્યો. તપેલીમાં હાથ પછાડીને છબછબિયાં કર્યાં. પિતા સામે જોઈને જરાક હસ્યો. એને મજા આવતી હતી. આ દૃશ્ય જોઈને પિતાના ચહેરા પર હાસ્ય છલકાયું. દીકરાને તેનાથી વધુ પ્રોત્સાહન મળ્યું. એ જોરજોરથી છબછબિયાં કરી ખડખડાટ હસવા લાગ્યો. પિતા વિચારમાં પડી ગયા. અરે, આને તો કોઈ વાતનું દુઃખ નથી. હું તો એનાં નસીબને કોસીને દુઃખી થતો હતો. મારો દીકરો તો ખુશ છે. એને તો કોઈ ફરિયાદ નથી. છતમાંથી ટપકતાં પાણીને પણ એ એન્જોય કરે છે. દુઃખ તો માત્ર મારા મનનો ખયાલ છે. એ ફટ દઈને ઊભો થઈ ગયો. બાળક પાસે જઈને એ તેના હાથ ઝાલી તપેલીમાં છબછબિયાં કરવા લાગ્યો. પાણી ઊડીને દીકરાના મોઢા પર લાગ્યું અને એ ફરીથી ખડખડાટ હસવા લાગ્યો. પિતા પણ એની સાથે હસવા લાગ્યા. બે ઘડીમાં તેને વિચાર આવ્યો કે ક્યાં છે દુઃખ?
પત્ની રસોડામાંથી રોટલો અને ચટણી લઈને આવી અને કહ્યું કે તમે બંને ખાઈ લ્યો. પતિએ પત્નીને પૂછયું કે તું ખુશ છે? પત્નીએ કહ્યું કે તમારા બંનેના હસવાનો અવાજ મારા માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સંગીત છે. એવું લાગે છે કે જાણે આખું ઘર ખુશીઓથી ભર્યું છે. સુખની વ્યાખ્યા બીજી શું હોઈ શકે? પતિને પહેલી વખત એવું થયું કે હું ક્યાંક ખોટો છું.
સુખ શેમાં છે અને દુઃખ શેમાં છે એની સમજ હોય તો જિંદગીને આપણે જેટલી ભારેખમ સમજતા હોઈએ છીએ એટલી હોતી નથી. દુઃખ એક કલ્પના છે, એને તમે જેટલું મોટું માનશો એટલું લાગશે. હકીકતે દુઃખ જેવડું લાગતું હોય છે એવડું મોટું હોતું નથી. આપણે જ તેને ગ્લોરીફાય કરતાં રહીએ છીએ. દુઃખને હાવી થવા દેવું ન હોય તો એના વિશે બહુ વિચાર ન કરો. દુઃખને આપણે બિહામણું બનાવી દેતા હોઈએ છીએ અને પછી એનાથી જ ડરતાં રહીએ છીએ. નાની નાની વાતમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ. દુઃખમાં એવા ઘેરાઈ જઈએ છીએ કે સુખનો અહેસાસ જ થતો નથી.
એક પતિ-પત્ની હતાં. બંને એક દિવસ એક કાર્યક્રમમાં જતાં હતાં. બંને ખુશ હતાં કે કાર્યક્રમ એન્જોય કરીશું. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જસ્ટ ફોર ફન. બંનેએ એક સ્પર્ધામાં ભાગ લીધો. થયું એવું કે બંને વિજેતા થયાં. દસઊહજાર રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું . પતિએ અનેક કલ્પનાઓ કરી લીધી કે આ દસહજારમાંથી હું આમ કરીશ અને તેમ કરીશ. કાર્યક્રમ પૂરો થયો અને બંને ઘરે ગયાં.
ઘરે જઈને જોયું તો પતિનું પાકીટ ગુમ હતું. કોઈએ પાકીટ મારી લીધું હતું અથવા તો ક્યાંક પડી ગયું હતું. બહુ મહેનત કરી તો પણ પાકીટ મળ્યું નહીં. પતિને રાતે ઊંઘ આવતી ન હતી. ઇનામના દસહજાર રૂપિયા ચાલ્યા ગયા. પત્નીએ કહ્યું કે ભૂલી જાવ, જે થવાનું હતું એ થઈ ગયું. પતિની વેદના ઓછી થતી ન હતી. તેણે કહ્યું કે મેં તો કેટલાંયે વિચાર કરી લીધા હતા. પત્નીએ પછી કહ્યું કે આપણી એ જ તકલીફ હોય છે કે આપણે બહુ બધા વિચાર કરી લઈએ છીએ. હજુ ચાર કલાક આપણી પાસે જે હતું જ નહીં એનું દુઃખ હવે આપણને નડે છે. કાર્યક્રમમાં જતાં પહેલાં આપણે ખુશ હતાં. ઈનામ મળ્યું. ખોવાઈ ગયું અને દુઃખી થઈ ગયાં. જે હતું જ નહીં એનું દુઃખ શા માટે ? એવું માનો કે આપણે ઈનામ જીત્યા જ નથી. પતિએ કહ્યું કે તારી વાત તો સાચી છે. ચલો છોડો. ફરગેટ ઇટ. સૂવાની કોશિશ કરતાં હતાં ત્યાં જ મોબાઈલ રણક્યો. અજાણ્યા માણસે કહ્યું કે તમારું પાકીટ મને મળ્યું છે. તમારા કાર્ડ પરથી તમને ફોન કર્યો. કાલે તમારું પાકીટ તમને મળી જશે. પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે કાશ, સુખ અને દુઃખની તારા જેટલી સમજ મને હોત.
તમે વિચારો કે કઈ વાત તમને દુઃખી કરે છે? એ વાત તમે જેટલા દુઃખી થાવ છો એટલા દુઃખી થવા જેવી છે ખરી? ના, નથી હોતી. આપણે જ મોટી માની લેતા હોઈએ છીએ. આપણે બહુ ઓછી વાતને સરળતાથી અને સહજતાથી લેતા હોઈએ છીએ. મોટા ભાગે તો આપણે કોઈના વર્તનને આપણા પર હાવી થવા દઈએ છીએ. જેનાથી છુટકારો જોઈતો હોય એનાથી છુટકારો મળી જાય પછી પણ આપણે વિચારોથી એને છોડતાં નથી. આપણે બધાને પરમેનન્ટ જ માની લઈએ છીએ. સંબંધને પણ અને સુખને પણ. કંઈ જ પરમેનન્ટ નથી. ન સુખ, ન દુઃખ, ન સંબંધ કે ન સ્થિરતા. બધું જ બદલાતું રહેવાનું છે. વેદના પણ થવાની જ છે. અમુક હદ પછી દરેક વેદના ખંખેરવી પડતી હોય છે. દુઃખને તમે જેટલું ઘૂંટશો એટલી તેને ભૂંસાતા વાર લાગશે. દોષ કોઈનો હોતો નથી. ન તો કોઈ વ્યક્તિનો, ન તો સમયનો કે ન તો નસીબનો. દોષ વિચારોનો હોય છે, દોષ માનસિકતાનો હોય છે, દોષ દુઃખને પંપાળ્યે રાખવાનો હોય છે. જે છે એ છે, જે નથી એ નથી, જે છે એને આપણે બદલી શકીએ એમ ન હોઈએ ત્યારે જે છે એને સ્વીકારી લેવામાં જ સુખ છે. આપણે બસ હાથે કરીને દુઃખી થવાની વૃત્તિ છોડવાની હોય છે.
છેલ્લો સીન : 
રો રો કે મૌત માંગનેવાલોં કો જીના નહીં આ સકા તો મરના ક્યા આયે? -ફિરાખ ગોરખપુરી

(‘સંદેશ’, તા. 11 ઓગસ્ટ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)

Send feedback on
rajmcprojects@gmail. Com

મને લાગે છે કે મારૂ નસીબ જ ખરાબ છે!

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

પોસ્ટરો તો એમ બણગાં ફૂંકશે, આગળ વધો, ઝંખનાઓ રોજ ગાડી ચૂકશે, આગળ વધો,
ફૂટપાથો પર બિછાવી જાળ ઊભા છે બધા, કોણ જાણે, કોણ કોને લૂંટશે, આગળ વધો.
-રમણીક સોમેશ્વર.

નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. મારી સાથે હમણાં બધું બૂરૂ જ થાય છે. જુગાર ખરાબ ચીજ છે. આમ છતાં એ એટલો મેસેજ તો ચોક્કસપણે આપે છે કે પાસા દરેક વખતે સરખા નથી હોતા. પાસા ફેંકીએ ત્યારે એ સવળા પડે અથવા તો અવળા પડે છે. પાસા ઉપર લખ્યું નથી હોતું કે આ પાસું સવળું છે અને આ પાસું અવળું છે. આપણે આપણી રીતે તેનો મતલબ કાઢીએ છીએ. આપણને જોઈતું હોય એ આવી જાય તો સવળું અને ન જોઈતું હોય એવું આવે તો અવળું. ગણતરી આપણી હોય છે અને આપણે દોષ કે યશ પાસાને આપીએ છીએ. નસીબનો પણ મોટાભાગે આપણે આવી રીતે જ ઉપયોગ કરતાં હોઈએ છીએ.
તમે માર્ક કરજો, મોટાભાગે તો આપણે આપણા વિપરીત સંજોગો અને અઘરા સમયને નસીબનું નામ આપી દેતાં હોઈએ છીએ. આ ઉપરાંત આપણે જો બીજી કોઈ ભૂલ કરતાં હોઈએ તો એ કે આપણે કોઈને જોઈને આપણાં નસીબની તુલના કરતાં હોઈએ છીએ. કોઈને સાધન-સંપન્ન જોઈને આપણે તેને નસીબદાર માની લેતાં હોઈએ છીએ. કોઈને નસીબદાર માનીએ એમાંય કંઈ ખોટું નથી,પ્રોબ્લેમ એ હોય છે કે આપણે આપણી જાતને કમનસીબ માનવા લાગીએ છીએ! ઘણાં લોકો વળી એવું પણ કરતાં હોય છે કે પોતાના કરતાં ખરાબ હાલત હોય તેનું ઉદાહરણ ટાંકી પોતાનાં નસીબ માટે આશ્વાસન મેળવતા હોય છે. એને કેવી તકલીફ છે?એના કરતાં તો આપણે સુખી છીએ! નસીબદાર અને કમનસીબીની આપણી વ્યાખ્યાઓ કેટલી છીછરી અને હલકી હોય છે? માણસ જ્યારે પોતાની સરખામણી બીજા કોઈની સાથે કરવા માંડે છે ત્યારથી એનાં દુઃખ અને ઉદાસીની શરૃઆત થાય છે. બધાંને બીજા જ નસીબદાર લાગે છે, પોતાનાં નસીબ જ ખરાબ લાગે છે.
ખબર નહીં કયા ભવનાં પાપ મને નડે છે કે મારી સાથે આવું થાય છે? મેં તો કોઈનું બૂરૂ નથી કર્યું છતાં મારી સાથે આવું થાય છે! મારે તો બધાં સાથે પ્રેમથી રહેવું છે પણ મને ખોટા લોકો જ ભટકાઈ ગયા છે. આ ભવની કોઈ ભૂલ ન મળે ત્યારે એ ગયા ભવની ભૂલને દોષ દે છે. બધાંને ક્યારેક તો એવું લાગતું જ હોય છે કે મારા ઉપર જે વીતે છે એ હું જ જાણું છું. મારી સાથે જ આવું કેમ થાય છે એવો સવાલ ઊઠે છે અને પછી છેલ્લે નસીબ ઉપર આવીને વાત પૂરી થાય છે.
એક યુવાનની વાત છે. એ જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ પડી ગઈ. તેને નોકરીમાંથી છૂટો કરી દેવાયો. એની નોકરીનો ક્યાંય મેળ ખાતો ન હતો. આખરે તે કહેવા લાગ્યો કે મારાં નસીબ જ ખરાબ છે. દસ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો એ બંધ થઈ ગઈ અને હવે બીજી નોકરી મળતી નથી. તેના મિત્રએ કહ્યું કે તું વારંવાર નસીબને શું દોષ દે છે? દસ વર્ષ તારી નોકરી હતી ત્યારે પણ તું નસીબને જ દોષ દેતો આવ્યો હતો કે મારી કંપની ભંગાર છે, ત્યાં કોઈ વર્કિંગ એટમોસ્ફિયર જ નથી. મારાં નસીબ ખરાબ છે કે મને આવી ભંગાર કંપનીમાં કામ કરવું પડે છે. હવે એ કંપની બંધ થઈ તો પણ તું તારાં નસીબને દોષ દે છે. તારી સાથે તારી કંપનીના ઘણાંની નોકરી ગઈ છે એ બધાં નસીબને દોષ દે છે? ખોટી વાતો ન કર. આ સમય પણ ચાલ્યો જશે અને બીજી નોકરી પણ મળી જશે. હા, એટલું યાદ રાખજે કે બીજી નોકરી મળે પછી ત્યાંના વાતાવરણને આગળ ધરીને તારાં નસીબને દોષ ન દેતો. વાતાવરણ તો આપણે જેવું માનીએ એવું જ હોય છે અને નસીબનું પણ એવું જ છે. તમારે નસીબને ખરાબ જ સમજવું હોય તો કોઈ તમને ન રોકી શકે.
આપણે બધાં કેવા છીએ? બધામાં આશ્વાસન જ શોધતા ફરીએ છીએ. કંઈક ખરાબ થાય તો પણ આપણે એવું જ કહીએ છીએ કે જે થતું હશે એ સારા માટે થતું હશે! જિંદગીની કોઈ ઘટનાને આપણે તટસ્થતાથી સ્વીકારી જ નથી શકતા! જે થયું તે થયું. બધું સારૂ જ થાય એવું કંઈ જરૃરી છે? આપણે કંઈ પણ થાય એટલે તરત જ લેબલ મારી દઈએ છીએ કે આ 'સારૂ' થયું અને આ 'ખરાબ' ! કોઈ ઘટનાને તમારાં નસીબ ન માની લ્યો!
જે સમયે જે હોય છે એ હોય છે. એને નસીબ ન સમજી લો. નાની નાની વાતમાં નસીબને દોષ ન દો. ઘણી વખત આપણે જેને કમનસીબી સમજતાં હોઈએ છીએ એ નાનકડો પડકાર હોય છે. એ પડકારમાંથી પાર ઊતરવાનું હોય છે. આપણે તો કારમાં પંક્ચર પડે તો એને પણ કમનસીબી કરાર દઈ દઈએ છીએ. થોડાક માર્ક્સ ઓછા આવ્યા તો બેડ લક, ઈન્ક્રિમેન્ટ થોડુંક ઓછું મળ્યું તો હાર્ડ લક, ફલાઈટ મિસ થઈ જાય તો પણ નસીબને દોષ, ફલાઈટ કેન્સલ થઈ જાય તો પણ આરોપ નસીબ પર મૂકી દેવાનો! આપણાં નસીબને આપણે કેટલું બધું સસ્તું બનાવી દીધું છે.
આપણી આર્થિક પરિસ્થિતિને પણ આપણે નસીબ સાથે જોડી દઈએ છીએ. જો રૃપિયો જ બધું હોત તો કોઈ ધનવાન દુઃખી ન હોત! આપણે જેને નસીબદાર સમજતા હોઈએ છીએ એ પણ પોતાને ક્યાં લકી સમજે છે? એક રાજા હતો. એવું કંઈ જ ન હતું જે એની પાસે ન હોય. રાજાને ક્યાંય મજા આવતી ન હતી. કોઈ વાત કે વસ્તુથી એને સુખ ફિલ થતું ન હતું. રાજાએ સભા બોલાવી. દરબારીઓને કહ્યું કે તમે મારી દરેક મુશ્કેલીનો ઉકેલ શોધી આપો છો, હવે મારા દુઃખનો ઉકેલ શોધી આપો. શું કરૂ તો મને મજા આવે? મને સુખ ફિલ થાય. એક દરબારીએ ઉકેલ બતાવ્યો. આપણાં રાજ્યમાં જે સૌથી સુખી માણસ હોય એનું પહેરણ તમે પહેરો તો તમે સુખી થાવ અને તેણે જે સુખ ફિલ કર્યું હોય એ તમે ફિલ કરી શકો. રાજાએ આદેશ આપ્યો કે જાવ અને આપણા રાજ્યમાં જે સુખી માણસ હોય એને શોધી લાવો.
રાજાના બધા જ લોકો કામે લાગી ગયા. લોકો પાસે જઈને પૂછયું કે તમે સુખી છો? બધાંએ કોઈ ને કોઈ કારણ આપીને કહ્યું કે હું ક્યાં સુખી છું, જુઓને, મારે આ કેવડો મોટો પ્રોબ્લેમ છે. આખરે એક માણસ મળી આવ્યો જેણે કહ્યું કે હું સુખી છું. એ માણસને રાજા સમક્ષ હાજર કરાયો. રાજાએ તેની આગતા-સ્વાગતા કરી. રાજાએ કહ્યું કે, હે સુખી માણસ, મને તારૂ પહેરણ આપ. પેલા માણસે કહ્યું, મારૂ પહેરણ?હું તો ફકીર છું. મારા શરીર પર તો એક જ કપડું છે. જો એ તમને સુખ આપતું હોય તો આ લ્યો તમે રાખો. હું તો મારી પોતડીથી પણ ચલાવી લઈશ. રાજાને પોતાનું કપડું ઓઢાડતી વખતે ફકીરે કહ્યું કે, રાજન, સુખ પહેરણ કે સાધન-સંપત્તિમાં નથી હોતું. સુખ તો આપણી અંદર હોય છે. હું મારા અંદરના સુખને જીવતું રાખું છું. તમે ખોટું સુખને બહાર શોધો છો. તમારી અંદર શોધો, મળી આવશે.
આપણે બધાં જ સુખ, શાંતિ અને ખુશીને બહાર જ શોધતાં ફરીએ છીએ અને ન મળે ત્યારે તેને કમનસીબી કે બેડલકનું નામ આપી દઈએ છીએ. નસીબ ક્યારેય ખરાબ હોતું જ નથી. આપણે પરિસ્થિતિ મુજબ તેને ગૂડ કે બેડ કરી દઈએ છીએ. પરિસ્થિતિ, સંજોગો કે સમયથી થાકી ન જાવ, એ તો બદલાતાં જ રહેવાનાં છે, એની સાથે તમારે બદલાઈ જવાની જરાયે જરૃર નથી!  
છેલ્લો સીન : 
કાંઠે ઊભેલું વહાણ સલામત હોય છે પણ વહાણો કંઈ સલામત સ્થળે રાખવા માટે બનાવવામાં આવ્યાં નથી હોતાં.    -અજ્ઞાત.
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 1 જુન, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

તમારાં વિચારો આવકાયઁ .....
મને લખી શકો 
rajmcprojects@gmail.com

Thursday, 11 September 2014

Thursday, 19 May 2011


આપણી વાચા - જ્યોતિ ઉનડકટ

એ સવાલ માને પૂછું કે નહીં ?


     એક સવાલ મનને કોરી ખાય છે. સાથોસાથ એક અવઢવ પણ છે કે, મા અંસી વરસની છે. હવે જીવી જીવીને કેટલું જીવવાની? જતી ઉંમરે એને આ સવાલ પૂછીશ તો એનું દિલ નહીં દુભાય? મારા મનની દુવિધા એને કહું કે પછી વીતી ગયેલી વાત ઉપર ધૂળ વાળી દઉં?
     અમદાવાદથી વડોદરા જતી વખતે બાજુની સીટ ઉપર બેઠેલાં સુનીતાબહેન સાથે અનેક વિષયો ઉપર ચર્ચા થઈ. હું સંબંધો અને પરિવાર વિશેની વાતો લખું છું એ જાણ્યા પછી તો સુનીતાબહેને એમના મનની મૂંઝવણ મારી સામે ખુલ્લા દિલે મૂકી દીધી.
     સુનીતાબહેને પોતાની વાત માંડી, ‘ મારાં લગ્નને તેંત્રીસ વરસ થયાં. બે દીકરીઓની માતા બની. બંને દીકરીઓ સાસરે છે અને સુખી છે. આમ જોવા જાવ તો જિંદગીમાં કોઈ દુઃખ નથી. પતિનો બિઝનેસ સરસ મજાનો ચાલે છે. શારીરિક કે આર્થિક તકલીફ નથી.
     ‘ઓકે, ફાઇન તો, પછી કઈ વાત તમને સતાવે છે? ’
     એ વાત કરતાં પહેલાં સુનીતાબહેનની આંખો ભરાઈ આવી. કોણ જાણે કેટલાં વરસોથી મનમાં ધરબી રાખેલો એ સવાલ એમણે મારી સમક્ષ વ્યક્ત કર્યો.
     સુનીતાબહેને કહ્યું કે, ‘માતાપિતાની પસંદગીના યુવક સાથે મારાં લગ્ન લેવાયાં. લગ્ન કરીને સાસરે આવી ત્યારે સાસરે જાહોજલાલી હતી. ગર્ભશ્રીમંત પરિવારમાં ઊછરી ને શ્રીમંત સાસરે આવી એટલે મને ગોઠવાતાં બહુ વાર ન લાગી. લગ્નની શરૂઆતનો ગાળો બીજાં બધાં યુગલોની જેમ જ બહુ સરસ રીતે પસાર થઈ ગયો. પણ કાયમ માટે જિંદગી એટલી સરળતાથી નથી પસાર થતી. અમારી જિંદગીનું પાસું પલટાયું. પતિને ધંધામાં ખોટ આવી. મોટો બંગલો વેચીને અમારે નાનકડા ભાડાના ઘરમાં રહેવાનો વારો આવી ગયો.
મને સતત એવું લાગતું કે, ખરાબ દિવસોના કલાકો કેમ આટલા લાંબા હોતા હશે? સવારે દીકરીઓ દૂધ માંગે તો મારે રૂપિયાનો વિચાર કરવો પડે. દીકરીઓ દૂધ પી શકે એ માટે મેં અને મારા પતિએ કેટલીય વખત અમારી સવારની ચા પીવાનું ટાળ્યું છે. કિસ્મતને દોષ દઈને રડ્યે રાખવાથી કંઈ નહીં વળે એવું મને સમજાઈ ગયું. એ દિવસથી ખોટમાં ચાલતી પતિની ફેક્ટરીએ જવાનું શરૂ કર્યું. વીસ વરસ દિવસરાતની મહેનત રંગ લાવી. અમારી ગાડી ફરી પાટે ચડી ગઈ.’
     દરેક કાળા વાદળને એક સોનેરી કોર હોય છે. એમ માનીને અમે સંઘર્ષના દિવસો વિતાવ્યા. આંસુ લૂછીને સુનીતાબહેને વાતને આગળ ધપાવી  ‘મારી દીકરીઓનાં લગ્ન અમે અમારી હેસિયત પ્રમાણે કર્યાં. બહુ ખર્ચ ન આવે એ માટે અમે બંને દીકરીઓનાં લગ્ન સાથે કર્યાં. લગ્નનો ખર્ચ તો અમે કાઢી લીધો પણ દીકરીઓને ચડાવવા માટે સોનું અમે નહોતાં ખરીદી શક્યાં. મેં મારાં ઘરેણાં તોડાવીને દીકરીઓને સોનું આપ્યું.’
     તેમણે વાતને આગળ ધપાવી, ‘મારી બાને મારે એક સવાલ કરવો છે. એ સવાલ એમને પૂછું કે નહીં એ અંગે મારા મનમાં સવાલ છે. હું નક્કી નથી કરી શકતી કે શું કરું?’ થોડી ક્ષણોના મૌન પછી એમણે કહ્યું,
‘જ્યારે હું આર્થિક ભીંસમાં હતી ત્યારે મારા એકના એક ભાઈના ઘરે રૂપિયાના થેલાના થેલા ભરેલા મેં જોયા છે. ભાઈની વાત જવા દઈએ કે ભાઈને જવાબદારીઓ હોય એટલે એણે મને મદદ ન કરી. પણ મારી માનેય મારું પેટમાં ન બળ્યું? એણે મને એકેય વાર ન પૂછ્યું  કે બેટા, તને કંઈ મદદની જરૂર છે? ચાલો મારી બા પાસે રોકડ રકમ એટલી ન હોય પણ એની પાસે સોનાના દાગીના તો વધારે હતા. બાએ ધાર્યું હોત તો એ મારી મદદ કરી શક્યાં હોત. મારાં મનમાં એ જ સવાલ છે કે, બા સક્ષમ હતી તો પણ મને મદદ શા માટે ન કરી?’
બીજી તરફ એવો વિચાર પણ આવે છે કે, ‘આવું પૂછીશ તો બાને દુઃખ નહીં થાય?’
     ‘વેલ સુનીતાબહેન, કોઈ વાત દિલને ભારે લાગતી હોય તો પૂછી લેવામાં કંઈ ખોટું નથી. અને હા, તમારા સવાલનો જવાબ ગમે તે હોય એ સમજવાની અને પચાવવાની તૈયારી રાખજો, શક્ય હોય તો મા તરફથી જે જવાબ મળે એને ભૂલીને હળવાં થઈ જજો. બનવાજોગ છે કે, એવી કોઈ મજબૂરી હશે કે એ સમયે એમણે તમને મદદ કરવાનું ટાળ્યું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો પિયરમાંથી એ સમયે લાખો રૂપિયાની મદદ મળી ગઈ હોત તો તમે હંમેશાં હાઉસવાઇફ બનીને પિયરના પરોપકારના બોજ તળે દબાઈને જ જીવતાં હોત. સંઘર્ષના દિવસોનો તમે તમારી રીતે સામનો કર્યો અને પોતાની રીતે સફળતા મેળવી એ આત્મસંતોષ કોઈની મદદ કરતાં વધુ મહત્વનો છે. 
     બાય ધ વે, વાચકમિત્રો તમે શું માનો છો?

Send feedbacks on :
RAJMCPROJECTS@GMAIL. COM





એકાંત માં વાંચો જો હિંમત હોય તો.....ગોધરાઃ બળેલાં જીવોની સાક્ષી હોવાની વેદના






Tuesday, 28 February 2012



ગોધરાઃ બળેલાં જીવોની સાક્ષી હોવાની વેદના

- જ્યોતિ ઉનડકટ

27મી ફેબ્રુઆરી, 2012ના દિવસે દસ વર્ષ પહેલાં લખેલી રોજનીશી બહાર કાઢી. પાના ઉપરના અક્ષરો ઉપર નજર ફેરવી કે દસ વર્ષ પહેલાંની યાદો તાજી થઈ અને એક વેદના જગાડી ગઈ.
27મી ફેબ્રુઆરી,2002ના રોજ અમે બપોરે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું. વાત એમ હતી કે, અમે નવી કાર લીધી હતી. પડોશમાં રહેતાં બે પરિવારો સાથે અમે બહાર જમવા જવાનું નક્કી કર્યું હતું. ત્યાં તો ગોધરાના સમાચારો આવવા લાગ્યા. પાર્ટીને પડતી મૂકીને હું ગોધરા ચાલી અને જીવનસાથી કૃષ્ણકાંત એની ઓફિસે.
 ચિત્રલેખાનો અંક પૂરો થઈ ગયો હતો. છતાં એડિટર ભરતભાઈ ઘેલાણી સાથે વાત કરીને ગોધરા જવાનું નક્કી કર્યું. ઘરે ટેક્સી બોલાવી. આદત પ્રમાણે ગાડીમાં બેસતાવેંત જ ડ્રાઈવરને નામ પૂછ્યું. એણે જવાબ આપ્યો, ઈમ્તિયાઝ.
 તરત જ વિચાર આવ્યો કે, ઓહ, ગોડ હવે આને કેમ કહેવું કે આપણે ક્યાં અને શા માટે જઈએ છીએ.  
ફોટોગ્રાફર કમલેશ ત્રિવેદી સાથે ગોધરા જવા નીકળી ગઈ. સવા કલાકે ગોધરા આવ્યું. શહેરમાં પ્રવેશતાવેંત જ પોલીસે રોકી. રેલવે સ્ટેશને જવા જેવી હાલત નથી. તમે પાછાં વળી જાવ. પણ પત્રકારનો જીવ પાછો શેનો વળે. માથાકૂટ કરીને રેલવે સ્ટેશન જવા નીકળ્યાં.
ગોધરાના રસ્તાઓથી જરાપણ પરિચિત ન હતી. રેલવે સ્ટેશન પહોંચ્યા એ પહેલાં સંવેદનશીલ એરિયામાંથી પસાર થયાં. એ સમયે અંદાઝસુદ્ધાં ન હતો કે, આ સેન્સેટીવ એરિયા છે. પોલન બજારનો એક રસ્તો ભેંકાર ભાસતો હતો. એ રોડ જોઈને એવું લાગ્યું કે, ઈંટના ટુકડા, પથ્થરો અને સોડા બાટલીના કાચનો બનેલો રસ્તો છે કે, ડામરની સડક
હું સ્ટેશને પહોંચી ત્યારે સાબરમતી એક્સપ્રેસના એ એસ-6 કોચને અલગ કરી ટ્રેનને આગળ રવાના કરી દેવાઈ હતી. ઉતરતી વખતે ડ્રાઈવર ઈમ્તિયાઝભાઈને સૂચના આપી કે, ગાડીમાં જ બેસી રહેજો. અને કોઈ નામ પૂછેને તો બને ત્યાં સુધી જવાબ આપવાનું ટાળજો. તમારું ધ્યાન રાખજો, કંઈ ચિંતા કરતાં નહીં હું થોડીવારમાં આવું છું. ભયનું લખલખું ઈમ્તિયાઝભાઈની આંખમાં દેખાયું. આછી ધ્રૂજારી સાથે એ બોલ્યાં, ભલે બહેન.
એસ-6 કોચ એકલો અટૂલો ધૂમાડાના ડૂસકાં ભરતો પડ્યો હતો. કંઈ જ વિચાર્યા વિના સીધી ડબ્બા પાસે પહોંચી ગઈ. બે પગથિયાં ચડવા ગઈ તો એ પગથિયાં પણ બળી ગયા હતાં. માંડ માંડ ચડી શકી.
ડબ્બામાં જઈને જે દ્રશ્ય જોયું એ આજે દસ વર્ષે પણ આંખ સામેથી હટતું નથી. ડબ્બાની છત સુધી એક લાશનો ઢગલો હતો. સૌથી ઉપર બળેલું એક શરીર કોઈના લાડકવાયા નાનકડાં બાળકનું હતું. ત્રીજી સીટ ઉપર એક સ્ત્રીનું શરીર બેઠેલી અવસ્થામાં સળગેલું દેખાતું હતું. એમાંથી હજુ ધૂમાડાં નીકળતાં દેખાતાં હતાં. એ શરીરને કેટલી વેદના થઈ હશે એ વિચારે ધ્રૂજી ઉઠી.
ડબ્બામાં ઠેર ઠેર બચવા માટે દોડાદોડી કરીને થાકી ગયેલાં શરીરો બળીને રાખ થતાં દેખાતાં હતાં. મારાં ચંપલની નીચે કોઈની રસની બંગડી ચોંટી ગઈ. મારાં મોઢામાંથી એક આહ નીકળી ગઈ.
ડબ્બામાં જોયેલી એક એક લાશ અને બચવા મથેલાં શરીરો પરથી ઉઠતાં ધૂમાડાં, ફાયર બ્રિગેડની ઘંટી અને પત્રકારોની ફોજ. માહિતી માટે આમતેમ દોડતાં પત્રકારો અને બહુ  જ થોડી સંખ્યામાં પોલીસ એવી કંઈક પરિસ્થિતિમાં રેલવે સ્ટેશને એક અજબનો અજંપો અનુભવાતો હતો.
મારી પાછળ જ ફોટોગ્રાફર કમલેશ ચડ્યો. એને કહ્યું કે, ભાઈ ફોટાં બહુ જ ધ્યાનથી પાડજો અને વધુ એંગલ મળે એ રીતે પાડજો અને કોઈ કચાશ ન રાખતાં ભલે આપણે વધુ સંખ્યામાં તસવીરો ડેવલપ કરાવવી પડે.
એ સમયે ડબ્બામાં હું, કમલેશ અને અસંખ્ય બળેલાં જીવ જ હતાં. અને મારો પત્રકાર જીવ ગણતરીઓ કરવા માંડેલો કે, હવે સ્ટોરીની શરુઆત ક્યાંથી કરવી, માહિતી કઈ રીતે અને ક્યાંથી મેળવીશ. ડબ્બાની હાલત, રેલવે સ્ટેશનનો માહોલ અનુભવીને સીધી સરકારી દવાખાને પહોંચી.
અંધાધૂધી અને લોકોની દિશા શૂન્ય હાલત જોઈને હૈયું કકળી ગયું. પણ અહીં ડિસ્ટર્બ થઈ જવું પાલવે એમ હતું નહીં અને હું ડિસ્ટર્બ થઈ પણ ન હતી. ત્યારે તો મારી ફરજ એકદમ સંવેદનશીલ વાતો લોકો પાસેથી કઢાવવાની હતી. હોસ્પિટલેથી ડીસ્ટ્રીક્ટ પોલીસ હેડ કવાર્ટર ગઈ ત્યાં ઓફિશીયલ કવોટસ લીધાં.
જમવાની પાર્ટી પડતી મૂકીને આવેલી હતી પણ જમવાનો સમય થયો ત્યારે જરાય ભૂખ નહોતી લાગી. સંવેદનશીલ અને બેસ્ટ રિર્પોટીંગની ભૂખ ઉઘડી ગઈ હતી. મન એટલું જાણતું હતું કે, બહુ જ મેજર ઘટના છે જેના પડઘાં વરસો સુધી ભૂલાવાના નથી.
આખો પાંચ-છ કલાક કામ કરીને ફરી રેલવે સ્ટેશને ગઈ. એસ -6 કોચમાંથી ધૂમાડાં નીકળતાં તો બંધ થઈ ગયેલાં પણ એટલું ફીલ થયું કે, હવેની આગ વધુ દઝાડવાની છે.
ડબ્બામાંથી ડેડ બોડીઝ કાઢતાં બ્લ્યુ ડ્રેસવાળા ફાયરમેનને પૂછ્યું કે, કેટલી લાશ કાઢી
એણે કહ્યું, બેન, હજુ લાશો કાઢવામાંથી નવરાં જ ક્યાં થયાં છીએ તો ગણવા બેસીએ.
રેલવે સ્ટેશને બહુ જ ઓછી સંખ્યામાં સ્ત્રી દેખાતી હતી. મહિલા પત્રકાર મારા સિવાય કોઈ ખાસ દેખાઈ ન હતી. જો કે, આવો વિચાર ત્યારે નહોતો આવ્ય.
 ગૂમ થયેલાં પરિવારજનો બળેલી લાશમાંથી પોતાની વ્યક્તિની ઓળખ માટે મથતાં લોકોને જોઈ એમની સાથે વાતો કરવાનું શરૂ કર્યું. ત્યારે કોઈ કોમી લાગણીઓ ન હતી. એ  સમયે ફક્ત પરિવારજનને ગૂમાવ્યાનું દુઃખ જ એ લોકોના ચહેરા પર દેખાતું હતું અને વાતોમાં પણ.
ફાયરમેન બિઝી હતાં. લાશની પાંચ લાઈનોમાંથી ત્રણ અને બે લાઈનની વચ્ચે હું રીતસર ઊભી રહી. આગળ રહેલી ત્રણ લાઈનો અને પાછળ ફરીને બાકીની પાંચ લાઈનો ગણી. પૂરી સતાવન લાશ મેં સગી આંખે જોઈ અને ગણી.
તરત જ એડિટર ભરતભાઈને ફોન કર્યો. કહ્યું, મેં સતાવન લાશ ગણી છે. બીજી બધી ગંભીર બાબતો અને સંવેદનશીલ વાતો મળી એનો રિપોર્ટ ફોન ઉપર એમને આપ્યો. ભરતભાઈએ તરત જ કહ્યું કે, આપણો અંક પ્રિન્ટીંગમાં ચાલ્યો ગયો છે. પણ હું સ્ટોપ પ્રેસ કરાવું છું. તું જલદી બરોડા પહોંચ. ફોટા ડેવલપ કરાવ અને કવર સ્ટોરી માટે ફક્ત ત્રણ ફોટા સિલેક્ટ કરીને પહેલાં મોકલી દે. રાત્રે 11 વાગા પહેલાં સ્ટોરી મળી જાય એવું કર.
ગોધરા છોડીને વડોદરા પહોંચવાનું હતું. છતાંય છેલ્લે હોસ્પિટલે ગઈ. સાબરમતી એક્સપ્રેસના ઈજાગ્રસ્ત મુસાફર મહેસાણાના વિહિપ અગ્રણી પ્રહલાદભાઈનો ઈન્ટરવ્યુ લીધો. અને ગોઝારી ઘટનાની યાદ લઈને વડોદરા જવા નીકળી ગઈ.
વડોદરા પહોંચી એ પહેલાં જ ગોધરાના લોકલ પત્રકાર નીલમ સોનીનો ફોન આવ્યો કે બહેન તમે પ્રહલાદભાઈને મળેલાંને એ પણ ગૂજરી ગયાં. અને કુલ બળેલાં જીવોનો સરવાળો 58 પર પહોંચ્યો.
બસ એ પછી મારાં ફોનની બેટરી લો થઈ ગઈ. ફોન સ્વીચ્ડઓફ થઈ ગયો. વડોદરા પહોંચી ત્યાં રસ્તાઓ સૂમસામ થઈ ગયાં હતાં. કમલેશે એનાં એક-બે મિત્રોની મદદથી એક બેઝમેન્ટમાં આવેલું સાયબર કેફે ખુલ્લું રખાવેલું અને એક કલર લેબ.
ઈમ્તિયાઝભાઈને કહ્યું, તમે તમારાં ઘરે પહોંચીને ગમે ત્યાંથી ફોન કરીને મને કહી દેજો કે, તમે હેમખેમ પહોંચી ગયા છો.
દોઢેક કલાકમાં ઘરે બેસીને સ્ટોરી લખી નાખી. ત્યાં તો કમલેશ પણ તસવીરો ડેવલપ કરાવીને આવી ગયો. ચાર રોલની તસવીરોમાંથી ફક્ત બાર તસવીરો પસંદ કરી અને સ્કેન કરીને ભરતભાઈને ઈ-મેઈલથી રવાના કરી.
ઘરે ફેક્સ હતો નહીં પડોશમાં રહેતાં રાકેશભાઈ શાહનું ફેક્સ મશીન લાવી અને સ્ટોરી મોકલી. વહેલી સવારે સાડા પાંચે ભરતભાઈનો એસએમએસ આવ્યો કે, વેલ ડન. બેસ્ટ રિપોર્ટ.
જ્યારે રેલવે સ્ટેશન હતી અને એ ઘટનાઓની સાક્ષી બનીને એ પળોમાંથી હું પસાર થતી હતી ત્યારે મારું રિપોર્ટર મન જ કામ કરતું હતું. બીજા દિવસની સવારે બધું આંખો સામેથી પસાર થયું ત્યારે મન વિચારે ચડી ગયું.
પછીના દિવસો પણ બહુ કપરાં ગયાં. કરફ્યુ અને કોમી રમખાણોના સમાચારો. જીવને હલાવી દે એવો અજંપો. પડોશમાં રહેતાં હિન્દુ-મુસ્લીમ લોકોનું ધ્યાન રાખવાનું. જીવનસાથી કૃષ્ણકાંત ત્યારે ગુજરાત સમચારની વડોદરા આવૃત્તિના તંત્રી હતા. એ બપોરના ઓફિસે નીકળી જાય તો  છેક વહેલી સવારે છાપું પૂરું કરીને ઘરે આવતાં.
ફતેગંજમાં અમારું ઘર-એપાર્ટમેન્ટ- વામા ટાવર. સામે જ મુસ્લીમ મેજોરીટીવાળો હેમ્પટન સ્કવેર. બધાં જ લોકોને સાથે રાખીને શાંતિપૂર્વક એ દિવસો પસાર કરેલાં. અનેક સમસ્યાઓને ઠેકાણે પાડી. રિપોર્ટીંગમાંથી આવું કે, એપાર્ટમેન્ટની નીચે બેઠેલાં ભાઈઓને સાચાં સમાચાર આપું. પછી મારાં કરફ્યુ પાસની મદદથી ગાડીમાં સમાય એટલાં ભાઈઓને લઈને  આખા એપાર્ટમેન્ટના પરિવારજનો માટે શાકા-ભાજી અને દૂધની વ્યવસ્થા કરવા નીકળી પડું.
ઓફિસ બંધ હતી. કોમી રમખાણોના કારણે કામવાળા તો આવતાં નહીં, હું ઘરે રસોઈ બનાવતી. સામે શાક ઉકળતું હોય તો મને એમાંથી બળેલાં શરીરની જ વાસ અનુભવાય. કૃષ્ણકાંતના રિપોર્ટર હિરેન અંતાણી એની પત્ની ખ્યાતિ સાથે અમારી ઘરે રહેવા આવી ગયેલાં. હિરેનનું ઘર સંવેદનશીલ વિસ્તારમાં હતું અને એનાં લગ્નને હજુ ત્રણ જ મહિના થયેલાં. ખ્યાતિને એકલી રખાય નહીં એટલે અમે જ એમને અમારે ઘરે બોલાવી લીધાં.( હિરેન અંતાણી અત્યારે દિવ્ય ભાસ્કર સુરત આવૃતિના તંત્રી છે)  રસોઈ બનાવતી વખતે પાસે ઉભેલી ખ્યાતિને પૂછતી કે, તું જરા આ શાકને સ્મેલ કર, એમાં મેં મસાલો કર્યો છે કે નહીં. (મને કંઈક જુદી જ સ્મેલ- બળેલાં મડદાંની) એ કહેતી હા, બરાબર છે.
મારી આંખો ભરાઈ આવતી. એ પરિસ્થિતિમાં હિંમતભેર કામ કરેલું પણ એ અનુભૂતિ અને વેદના દિલોદિમાગ પર સતત સવાર રહેતી હતી. પછી એક જ પ્રાર્થના સરી પડતી, કે કદી કોઈને આવા દિવસો કદી કોઈને ન જોવા પડે.આજે દસ વર્ષ થયાં છે ત્યારે એ બળેલાં જીવોની સાક્ષી બન્યાની વેદના એક ટીસ સાથે ધસી આવી છે.
સાબરમતી એક્સપ્રેસ - ગોધરા કાંડ પછી ઘણું રાજકારણ ખેલાઈ ગયું અને ખેલાઈ રહ્યું છે. એ રાજકારણ કે હિન્દુ –મુસ્લીમના દંગલ કે કોણ સાચું અને કોણ ખોટું એમાં નથી પડવું..... દસ વર્ષ- 3650 દિવસ – એક દાયકો પત્રકાર તરીકેની કેટલીક ઘટનાઓ ક્યારેય નથી ભૂલાતી.

Send 
Feedbacks on:

RAJMCPROJECTS@GMAIL. COM