તમને ખબર છે, તમે કેટલા દુઃખી છો?
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ઝમીન દી હૈ તો થોડા સા આસમાન ભી દે,
મેરે ખુદા, મેરે હોને કા કુછ ગુમાન ભી દે.
-નિદા ફાઝલી.
સુખ અને દુઃખની સૌથી મોટી ખૂબી શું છે? સુખ હંમેશાં ઓછું લાગે છે અને દુઃખ હંમેશાં વધુ લાગે છે. બંને જેટલાં હોય એટલાં આપણે અનુુભવી જ શકતા નથી. સુખ હોય તો પણ આપણે ગાતા ફરીએ છીએ કે થોડા હૈ થોડે કી જરૂરત હૈ. સુખથી જેને સંતોષ હોય એવા લોકો ખરેખર સુખી હોય છે. સુખ એન્ડલેસ છે. સુખનો કોઈ છેડો નથી. સુખનું કોઈ પૂર્ણવિરામ નથી. એક પછી એક તમન્નાઓ ઊઘડતી જ રહે છે. મોટા ભાગના સફળ કે ધનવાન લોકોને પૂછો તો એવો જ જવાબ મળશે કે અમે તો ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે આટલું મળશે. આમ છતાં એ લોકો એવું નથી કહી શકતા કે અમે સુખી છીએ.
સુખને જીવવા કરતાં દુઃખને વાગોળવાની લોકોને મજા આવતી હોય છે. પોતાનું રાઈ જેવડું દુઃખ પણ માણસને પહાડ જેવડું લાગે છે. લોકો સુખનું સ્મરણ રાખી શકતા નથી અને દુઃખની આખી યાદી તેમને કંઠસ્થ હોય છે. ગઈકાલે મળેલા સુખને યાદ કરતા નથી અને દસ વર્ષ પહેલાંના દુઃખને ભૂલતા નથી. દરેક માણસ કોઈ ને કોઈ અસંતોષ સાથે જીવે છે. કોઈને પગારના આંકડાથી સંતોષ નથી તો કોઈને નફો પૂરતો લાગતો નથી. કોઈને પ્રમોશન ન મળવાની પીડા છે તો કોઈને નસીબ સામે જ વાંધો છે. દરેકને પોતાના પ્રશ્નો છે અને દરેકના મનમાં એ જ વાત રમતી રહે છે કે તમે મારી જગ્યાએ હોવ તો તમને ખબર પડે. દરેક પોતપોતાની જગ્યાએ જ હોય છે અને દરેક પાસે પોતાના પૂરતું સુખ અને દુઃખ હોય જ છે. દરેક પાસે પોતાની પીડા છે, પોતાની વેદના છે, પોતાની વ્યથા છે, પોતાની કથા છે, પોતાનો પ્રેમ છે, પોતાનો વિરહ છે, પોતાની યાદો છે, પોતાની ફરિયાદો છે, પોતાનો અહેસાસ છે અને પોતાનો વિશ્વાસ છે.
દરેક સુખની અનુભૂતિ અને તમામ દુઃખનો અહેસાસ થવો જ જોઈએ. જેને કોઈ જ દુઃખ જરાસરખી પણ પીડા નથી આપતું એ જડ છે. સવાલ એ હોય છે કે દુઃખનું દુઃખ કેટલું હોવું જોઈએ. કોઈ દુઃખ એ મીટર લઈને આવતું નથી કે આ દુઃખની તીવ્રતા આટલી જ હોવી જોઈએ. માણસની માનસિકતા અને સંવેદનશીલતા જ દુઃખની પીડાને નાની કે મોટી, વિરાટ કે વામન, અતિ કે અલ્પ અસર કરતી હોય છે. વ્યથાની માત્રા દુઃખ જેટલી હોવી જોઈએ. આમ છતાં એ વાત ધ્યાને રાખવા જેવી છે કે દુઃખને ગાયે રાખવાથી કોઈ ફેર પડી જતો નથી. ઘણાં લોકો દુઃખને પકડી રાખે છે. એમાં જ ઘૂંટાયા કરે છે. પોતે બહાર નીકળતા નથી અને આખી દુનિયાને કહેતાં ફરે છે કે હું દુઃખી છું.
એક માણસ હતો. બચપણથી જ તેનું એક સપનું હતું કે એક દિવસ મારું સુંદર મજાનું ઘર હશે. મને ઘરનું જે સુખ નથી મળ્યું એ તમામ સુખ હું મારા બાળકને આપીશ. લગ્ન થયાં. એક દીકરો આવ્યો. જોકે ઘરનું સપનું પૂરું ન થયું. તેનું ઘર હજુયે નળિયાંવાળું જ હતું. નળિયાં પણ પાકાં ન હતાં. ઉનાળાના દિવસોમાં નળિયાં ચીરીને ચાંદરડાં ઘરમાં આવી જતાં હતાં અને વરસાદમાં પાણી ટપકતું હતું. એ માણસ સતત દુઃખી રહેતો કે આવા ઘરની મેં કલ્પના કરી ન હતી. હું મારા દીકરાને કંઈ આપી શકતો નથી. મારા જેવો કમનસીબ આ દુનિયામાં કોઈ નથી.
ચોમાસાની ઋતુ આવી. વરસાદ શરૂ થયો. એ માણસ છતમાંથી ટપકતાં પાણીને જોઈને પોતાની જાતને કોસતો હતો. જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તેણે એક તપેલી રાખી દીધી. પોતાની જગ્યા પર પાછો આવીને બેસી ગયો. નાનો દીકરો ખૂણામાં રમતો હતો. તેની સામે જોઈને એ વિચારતો હતો કે આનાં નસીબ પણ મારા જેવાં જ છે? એની કિસ્મતમાં પણ ટપકતું પાણી જ લખ્યું છે?
તપેલીમાં ટપકતાં પાણીનો ટપ ટપ અવાજ આવતો હતો. બાળકનું ધ્યાન એ તપેલી તરફ ગયું. ભાંખોડિયાં ભરીને એ તપેલીની પાસે આવ્યો. તપેલીમાં હાથ પછાડીને છબછબિયાં કર્યાં. પિતા સામે જોઈને જરાક હસ્યો. એને મજા આવતી હતી. આ દૃશ્ય જોઈને પિતાના ચહેરા પર હાસ્ય છલકાયું. દીકરાને તેનાથી વધુ પ્રોત્સાહન મળ્યું. એ જોરજોરથી છબછબિયાં કરી ખડખડાટ હસવા લાગ્યો. પિતા વિચારમાં પડી ગયા. અરે, આને તો કોઈ વાતનું દુઃખ નથી. હું તો એનાં નસીબને કોસીને દુઃખી થતો હતો. મારો દીકરો તો ખુશ છે. એને તો કોઈ ફરિયાદ નથી. છતમાંથી ટપકતાં પાણીને પણ એ એન્જોય કરે છે. દુઃખ તો માત્ર મારા મનનો ખયાલ છે. એ ફટ દઈને ઊભો થઈ ગયો. બાળક પાસે જઈને એ તેના હાથ ઝાલી તપેલીમાં છબછબિયાં કરવા લાગ્યો. પાણી ઊડીને દીકરાના મોઢા પર લાગ્યું અને એ ફરીથી ખડખડાટ હસવા લાગ્યો. પિતા પણ એની સાથે હસવા લાગ્યા. બે ઘડીમાં તેને વિચાર આવ્યો કે ક્યાં છે દુઃખ?
પત્ની રસોડામાંથી રોટલો અને ચટણી લઈને આવી અને કહ્યું કે તમે બંને ખાઈ લ્યો. પતિએ પત્નીને પૂછયું કે તું ખુશ છે? પત્નીએ કહ્યું કે તમારા બંનેના હસવાનો અવાજ મારા માટે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સંગીત છે. એવું લાગે છે કે જાણે આખું ઘર ખુશીઓથી ભર્યું છે. સુખની વ્યાખ્યા બીજી શું હોઈ શકે? પતિને પહેલી વખત એવું થયું કે હું ક્યાંક ખોટો છું.
સુખ શેમાં છે અને દુઃખ શેમાં છે એની સમજ હોય તો જિંદગીને આપણે જેટલી ભારેખમ સમજતા હોઈએ છીએ એટલી હોતી નથી. દુઃખ એક કલ્પના છે, એને તમે જેટલું મોટું માનશો એટલું લાગશે. હકીકતે દુઃખ જેવડું લાગતું હોય છે એવડું મોટું હોતું નથી. આપણે જ તેને ગ્લોરીફાય કરતાં રહીએ છીએ. દુઃખને હાવી થવા દેવું ન હોય તો એના વિશે બહુ વિચાર ન કરો. દુઃખને આપણે બિહામણું બનાવી દેતા હોઈએ છીએ અને પછી એનાથી જ ડરતાં રહીએ છીએ. નાની નાની વાતમાં આપણે દુઃખી થઈ જઈએ છીએ. દુઃખમાં એવા ઘેરાઈ જઈએ છીએ કે સુખનો અહેસાસ જ થતો નથી.
એક પતિ-પત્ની હતાં. બંને એક દિવસ એક કાર્યક્રમમાં જતાં હતાં. બંને ખુશ હતાં કે કાર્યક્રમ એન્જોય કરીશું. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જસ્ટ ફોર ફન. બંનેએ એક સ્પર્ધામાં ભાગ લીધો. થયું એવું કે બંને વિજેતા થયાં. દસઊહજાર રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું . પતિએ અનેક કલ્પનાઓ કરી લીધી કે આ દસહજારમાંથી હું આમ કરીશ અને તેમ કરીશ. કાર્યક્રમ પૂરો થયો અને બંને ઘરે ગયાં.
ઘરે જઈને જોયું તો પતિનું પાકીટ ગુમ હતું. કોઈએ પાકીટ મારી લીધું હતું અથવા તો ક્યાંક પડી ગયું હતું. બહુ મહેનત કરી તો પણ પાકીટ મળ્યું નહીં. પતિને રાતે ઊંઘ આવતી ન હતી. ઇનામના દસહજાર રૂપિયા ચાલ્યા ગયા. પત્નીએ કહ્યું કે ભૂલી જાવ, જે થવાનું હતું એ થઈ ગયું. પતિની વેદના ઓછી થતી ન હતી. તેણે કહ્યું કે મેં તો કેટલાંયે વિચાર કરી લીધા હતા. પત્નીએ પછી કહ્યું કે આપણી એ જ તકલીફ હોય છે કે આપણે બહુ બધા વિચાર કરી લઈએ છીએ. હજુ ચાર કલાક આપણી પાસે જે હતું જ નહીં એનું દુઃખ હવે આપણને નડે છે. કાર્યક્રમમાં જતાં પહેલાં આપણે ખુશ હતાં. ઈનામ મળ્યું. ખોવાઈ ગયું અને દુઃખી થઈ ગયાં. જે હતું જ નહીં એનું દુઃખ શા માટે ? એવું માનો કે આપણે ઈનામ જીત્યા જ નથી. પતિએ કહ્યું કે તારી વાત તો સાચી છે. ચલો છોડો. ફરગેટ ઇટ. સૂવાની કોશિશ કરતાં હતાં ત્યાં જ મોબાઈલ રણક્યો. અજાણ્યા માણસે કહ્યું કે તમારું પાકીટ મને મળ્યું છે. તમારા કાર્ડ પરથી તમને ફોન કર્યો. કાલે તમારું પાકીટ તમને મળી જશે. પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે કાશ, સુખ અને દુઃખની તારા જેટલી સમજ મને હોત.
તમે વિચારો કે કઈ વાત તમને દુઃખી કરે છે? એ વાત તમે જેટલા દુઃખી થાવ છો એટલા દુઃખી થવા જેવી છે ખરી? ના, નથી હોતી. આપણે જ મોટી માની લેતા હોઈએ છીએ. આપણે બહુ ઓછી વાતને સરળતાથી અને સહજતાથી લેતા હોઈએ છીએ. મોટા ભાગે તો આપણે કોઈના વર્તનને આપણા પર હાવી થવા દઈએ છીએ. જેનાથી છુટકારો જોઈતો હોય એનાથી છુટકારો મળી જાય પછી પણ આપણે વિચારોથી એને છોડતાં નથી. આપણે બધાને પરમેનન્ટ જ માની લઈએ છીએ. સંબંધને પણ અને સુખને પણ. કંઈ જ પરમેનન્ટ નથી. ન સુખ, ન દુઃખ, ન સંબંધ કે ન સ્થિરતા. બધું જ બદલાતું રહેવાનું છે. વેદના પણ થવાની જ છે. અમુક હદ પછી દરેક વેદના ખંખેરવી પડતી હોય છે. દુઃખને તમે જેટલું ઘૂંટશો એટલી તેને ભૂંસાતા વાર લાગશે. દોષ કોઈનો હોતો નથી. ન તો કોઈ વ્યક્તિનો, ન તો સમયનો કે ન તો નસીબનો. દોષ વિચારોનો હોય છે, દોષ માનસિકતાનો હોય છે, દોષ દુઃખને પંપાળ્યે રાખવાનો હોય છે. જે છે એ છે, જે નથી એ નથી, જે છે એને આપણે બદલી શકીએ એમ ન હોઈએ ત્યારે જે છે એને સ્વીકારી લેવામાં જ સુખ છે. આપણે બસ હાથે કરીને દુઃખી થવાની વૃત્તિ છોડવાની હોય છે.
છેલ્લો સીન :
રો રો કે મૌત માંગનેવાલોં કો જીના નહીં આ સકા તો મરના ક્યા આયે? -ફિરાખ ગોરખપુરી
(‘સંદેશ’, તા. 11 ઓગસ્ટ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
Send feedback on
rajmcprojects@gmail. Com
No comments:
Post a Comment