All About Breaking News: મને કહે તો ખરાં, તારી લાઇફમાં હું ક્યાં છું?

Friday, 12 September 2014

મને કહે તો ખરાં, તારી લાઇફમાં હું ક્યાં છું?

મને કહે તો ખરાં, તારી લાઇફમાં હું ક્યાં છું?

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

તુમ મેરે પાસ હોતે હો ગોયાજબ કોઈ દૂસરા નહીં હોતા!
તુમ હમારે કિસી તરહ ન હુએવર્ના દુનિયા મેં ક્યા નહીં હોતા?
-મોમીન

લોહીના સંબંધ વધુ ગાઢ હોય છે કે લાગણીના? લાઇફમાં આપણે ભાઈ સાથે નજીક હોઈએ છીએ કે મિત્ર સાથે? પત્ની કે પ્રેમિકાના આગમન પછી બહેન પ્રત્યેના સ્નેહમાં કોઈ ફર્ક આવે છે ખરો? કોઈ આદરણીય વ્યક્તિને કહીએ કે તમે તો મારા ફાધર જેવા છો ત્યારે પિતા પ્રત્યેની લાગણીમાં કોઈ બદલાવ આવતો હોય છે? આમ તો એવું કહેવાય છે કે સંબંધ સંબંધ હોય છે, એમાં કોઈ ક્રાયટેરિયા નથી હોતા. કોઈ કારણો નથી હોતાં. કોઈ અભાવ પણ નથી હોતો. દરેક સંબંધ એની જગ્યાએ મહાન હોય છે. માણસ ક્યારેય કોઈ એક સંબંધમાં જીવતો હોતો નથી. માણસ એક સંબંધમાં જીવી પણ ન શકે. આપણે અનેક સંબંધો જીવતા હોઈએ છીએ. આ સંબંધો વચ્ચે બેલેન્સ જાળવવાનું ઘણી વખત અઘરું બની જતું હોય છે.
એક પતિ-પત્ની હતાં. બંને ખૂબ જ પ્રેમથી રહે. કોઈ મુશ્કેલી કે સમસ્યા આવે ત્યારે બંને સાથે મળીને નિર્ણય કરે. દરેક વખતે સમસ્યા મોટી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક ક્યારેક નાના સવાલો પણ માણસને વિચારતા કરી દે છે. એક વખત એવું થયું કે પત્નીની ફ્રેન્ડના ઘરે એક પ્રસંગ હતો. ફ્રેન્ડે તેની બહેનપણીને કહ્યું કે આપણે ઘણા સમયથી નથી મળ્યા. આ વખતે તો તારે તારા હસબન્ડ સાથે આવવાનું જ છે. પત્નીએ પોતાની બહેનપણીને પ્રોમિસ આપ્યું કે હું ચોક્કસ આવીશ. બીજી તરફ થયું એવું કે એ જ સમયે પતિના ફ્રેન્ડના ઘરે પાર્ટી હતી. તારી પાર્ટી હોય ને હું ન આવું? સ્યોર આવીશ. પતિ-પત્નીએ એકબીજાને વાત કરી તો સવાલ એ આવ્યો કે ક્યાં જવું? બંનેને જવું હતું તો સાથે જ એટલે તું તારી ફ્રેન્ડને ત્યાં જઈ આવ અને હું મારા મિત્રને ત્યાં જઈ આવું એવી વાત કરવાનો કોઈ મતલબ ન હતો.
આવા નાનકડા ઇસ્યૂ ઘણી વખત ઝઘડાનું કારણ બની જતા હોય છે. તારા માટે તારા ફ્રેન્ડ્સ જ મહત્ત્વના છે. મારા મિત્રોનું કંઈ નહીં? તને તારા સિવાય કોઈનો વિચાર જ નથી આવતો. દર વખતે મારે જ ભોગ આપવાનો? મારે જ જતું કરવાનું? મારી કંઈ ઇચ્છા જ ન હોય? માણસને ઘણી વખત એ સમજાતું જ નથી કે આપણે કોઈના માટે આપણી વ્યક્તિ સાથે લડતા હોઈએ છીએ. જોકે,આ પતિ-પત્ની એવાં ન હતાં. બંનેએ કહ્યું કે તો હવે શું કરીશું? ઝઘડો કરવાના બદલે બંનેએ ઊંધું જ કર્યું. જવા દે, મારા ફ્રેન્ડને ત્યાં નથી જવું, તારી ફ્રેન્ડને ત્યાં જઈએ. પત્નીએ કહ્યું કે ના તું પણ તારા કામમાંથી ક્યાં નવરો થાય છે. માંડ તારા ફ્રેન્ડ્સને મળવાનો મોકો મળ્યો છે, આપણે તારા ફ્રેન્ડને ત્યાં જઈશું. ઘણી વખત પ્રેમ પણ પ્રશ્નો સર્જતો હોય છે. બંને સમજુ હોય ત્યારે આવું થતું હોય છે. તું કહે એમ જ કરવું છે એવું બંને કહેતાં હોય ત્યારે સવાલ ઊઠતો હોય છે કે કોણ કહે એમ કરવું? કોઈ ઉકેલ નહોતો મળતો એટલે આખરે બંનેએ આખી ઘટનાને હળવાશથી લઈને કહ્યું કે છોડ બધું, આપણે કિંગ-ટોસ કરી નાખીએ!
જોકે, દરેક સંબંધમાં કિંગ-ટોસ કરી શકાતા નથી. નિર્ણયો લેવા પડે છે. આ નિર્ણય લેતી વખતે કોઈના દિલને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવું પડતું હોય છે. કોઈ હર્ટ ન થાય એવું કરવામાં ઘણી વખત માણસ પોતે હર્ટ થાય એવું ડિસિઝન પણ લઈ લેતો હોય છે. પોતાની લાગણી દબાવી દેતો હોય છે. સંબંધો ઘણી વખત એવા સવાલ કરતા હોય છે જેના જવાબો માણસને મળતા નથી.
જ્યારે પોતાની વ્યક્તિ એવો સવાલ કરે કે તું મને કહે તો ખરાં કે તારી લાઇફમાં હું ક્યાં છું? આપણી દરેક વ્યક્તિ આપણી લાઇફનો એક ભાગ હોય છે. દરેક માટે પોતાનો પ્રેમી કે પ્રેમિકા, પતિ કે પત્ની જિંદગીનો સૌથી નજીકનો હિસ્સો હોય છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે નજીકનો બીજો સંબંધ આપણો સમય અને સાથ માગે છે. માણસને માત્ર એક જ વ્યક્તિ વહાલી નથી હોતી, ઘણા બધા પ્રત્યે લાગણી હોય છે. કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિની નજીક હોય ત્યારે માણસને એવું થાય છે કે હું એનું સ્થાન ક્યારેય લઈ શકવાની નથી. સાચી વાત તો એ છે કે કોઈનું સ્થાન લેવાનો ક્યારેય પ્રયત્ન પણ ન કરવો જોઈએ. દરેકનું એક ચોક્કસ સ્થાન હોય છે. એના પૂરતી વફાદારી હોય એ પૂરતું છે. માણસ જ્યારે એવું ઇચ્છવા લાગે કે એની જિંદગીમાં મારા સિવાય કોઈનું સ્થાન ન હોવું જોઈએ ત્યારે પ્રોબ્લેમની શરૂઆત થાય છે.
પોતાના સ્થાનનું ભાન હોવું એ સંબંધની સૌથી મોટી સમજદારી છે. તું હવે એનો જ થઈ ગયો છે, મારો રહ્યો નથી. મા ક્યારેક પત્ની વિશે દીકરાને આવું કહે છે તો પત્ની ક્યારેક પતિને માતા કે પરિવારના અન્ય સભ્યો માટે આવું કહે છે. મિત્રોમાં પણ એવું થતું હોય છે કે એ એનાથી વધુ નજીક છે અને મારાથી થોડોક દૂર છે. પોતાનો મિત્ર જ્યારે તેના નવા મિત્ર તરફ વધુ ઢળે ત્યારે પણ માણસને ઈર્ષા થવા લાગે છે. માણસ કોઈને છુટ્ટો મૂકી જ શકતો નથી. સંબંધો પકડી રાખવાની ચીજ નથી. સંબંધને પકડવાના જેટલા વધુ પ્રયાસ કરશો એટલું સંબંધો તૂટવાનું કે ઘટવાનું વધુ જોખમ રહેશે.
મારે કોની સાથે સંબંધ રાખવા એ તારે નક્કી કરવાનું છે? મારું મન થાય એની સાથે હું સંબંધ રાખીશ. તારા પ્રત્યે લાગણી છે એનો મતલબ એવો કે મારે તું કહે એમ જ કરવાનું, તું કહે એની સાથે જ બોલવાનું, તું કહે એના ઘરે જ જવાનું અને તું કહે એને જ ઘરે બોલાવવાનો? મારી મરજીનું કંઈ નહીં? જ્યારે આપણને એવું લાગે કે આપણી વ્યક્તિ કે આપણો મિત્ર ખોટો સંગ કરી રહ્યો છે ત્યારે તેને પ્લસ-માઇનસ પોઇન્ટસ સમજાવવામાં કંઈ ખોટું નથી, પણ જબરજસ્તીથી કોઈને રોકવાનો ઘણી વખત કોઈ અર્થ હોતો નથી. અમુક વખતે માણસ અનુભવે જ સમજતો હોય છે. તમે કોઈને ચેતવી શકો પણ તેને અટકાવી તો ન જ શકો.
માણસ જ્યારે સાચો પડે ત્યારે એની જવાબદારી હોય એના કરતાં વધી જતી હોય છે. કોઈને તમે રોકો અને એ ન માને તો એને જવા દો, પણ જો પછડાટ ખાય તો પછી એને એની ભૂલનો અહેસાસ ન કરાવો. પોતાની ભૂલનો અહેસાસ તો એને થઈ જ ગયો હોય છે. હું તને કહેતો હતો ને પણ તારે ક્યાં કોઈનું સાંભળવું છે. તારે તો તારા મનનું ધાર્યું જ કરવું હતું, હવે ભોગવ! હવે તને સમજાય છે ને કે હું સાચું કહેતો હતો. આપણે તું ખોટો હતો અને હું સાચો હતો એ જતાવવામાં પણ ઘણી વખત પડેલી વ્યક્તિને પાટા મારતા હોઈએ છીએ. આવા સમયે પડેલાને હાથ આપવાનો હોય છે, ઊભો કરવાનો હોય છે. હશે, જવા દે, થઈ ગયું, આટલેથી પત્યું. આપણને ખબર તો પડી ગઈ. મગજમાંથી એ વાત કાઢી નાખ. સંબંધો બહુ નાજુક હોય છે. સંબંધની માવજત કોમળ હૃદયથી જ થઈ શકે. આપણી વ્યક્તિ તો જ આપણી રહે જો આપણે એને આપણી રહેવા દઈએ. જાકારો આપીને, નારાજ થઈને કે કોઈનાથી દૂર હડસેલીને આપણે ક્યારેય કોઈ વ્યક્તિને આપણી કરી શકતા નથી. નજીક રહેવા માટે નજીક હોવું સૌથી વધુ જરૂરી છે.
છેલ્લો સીન
બુદ્ધિપૂર્વક આચરેલો અન્યાય હિંસા કરતાં વધુ ભયાનક હોય છે. -નિત્શે

('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 30 માર્ચ, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

Send feedback on

rajmcprojects@gmail.com

No comments:

Post a Comment