આખરી ક્ષણ – રમેશ કે. પુરબિયા
Posted by અક્ષરનાદ
(શ્રી રોહિત શાહ સંપાદિત 'વાર્તાઉત્સવ'માંથી સાભાર, પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે.)
એ સમયે ટૅક્સીની ગતિ મને વિમાન જેવી લાગી. બધું પાછળ જઈ રહ્યું હતું. એ આખું શહેર, એમાં વીતેલો સમય સાથે ઘણું ઘણું કે, જ્યાં અમારાં પગલાં સાથે અમારી સાથે અમારી નજરો વિહરી હતી. એ રંગીન દિવસો, પાર્ટીઓ, બજારો, અમારા મિલનનાં સ્થળો, શૉપિંગ-સેન્ટરો, ત્યાંનાં લોકો. એમનું યંત્રવત જીવન – બધું જ….
વીતાવેલી ક્ષણો બમણી ગતિથી આગળ થવા મથતી'તી પણ પાછળ જ.. હું આગળ ગતિ કરતો હતો અને એ…
પહેલી નજરમાં તો એ મને અમેરિકન જ લાગેલી. એવાં જ રૂપરંગ, ગોરીગોરી, ઉતાવળી ઇંગ્લિશ ભાષા, પહેરવેશ પણ ઇંગ્લિશ. એનું વ્યક્તિત્વ પણ એવું જ…
મેં એને પૂછ્યું હતુંઃ 'વૉટ ઈઝ યોર નેમ?'
તેણે કહ્યું, 'માય નેમ ઈઝ પ્રિયા ઍન્ડ આફ્ટર કમિંગ ટુ યુ.એસ.એ. માય નેમ ઈઝ રોઝી. ઈફ યુ વુડ કૉલ મી બાય માય ઇન્ડિયન નેઈમ, આઈ વુડ લાઈક ઈટ વેરી મચ.'
'વૉટ ડુ યુ મીન?' મેં પુંછ્યું .
'આઈ ઍમ એન ઇન્ડિયન.'
હું એની સામે આશ્વર્ય ભરી નજરે જોઈ રહ્યો. કેવું અદભુત! હું કલ્પી શકતો ન હતો. એણે કહેલું, 'આજકાલ કરતાં પંદર વર્ષ વીતી ગયાં આ શહેરમાં!
બે મહિના પહેલા હું ઇન્ડિયા આવી હતી મારી માસીના દીકરાનાં લગનમાં. પાંચ સાત દિવસ અમે રોકાયાં હતાં. થયું હતું, અહીં જ રોકાઈ જાઉં' પણ..
એ પછી ઑફિસ ના સમય પછી પણ અમે હંમેશા સાથે રહેતાં. જોતજોતામાં બે વર્ષ વીતી ગયાં.. હવે મારે પાછા જવાનું હતું, મારા વતનમાં ઇન્ડિયા.
ગઈ સાંજે એ મારી સાથે હતી. મેં એને કહ્યું હતું, 'હું પાછો જવાનો છું.'
એણે વિસ્મયપૂર્વક મારી સામે જોયું. આગના અંગારાએ જાણે દઝાડી દીધી હોય એટલી ત્વરાથી પુછ્યું, 'ક્યાં?'
'મારા વતનમાં, ઇન્ડિયા.'
એ મારો હાથ તરછોડી બારી પાસે જઈ ઊભી. એનું માથું બારીના બે સળિયા વચ્ચે ફસાયેલું હતું. એના હાથ સળિયા સાથે જકડાયેલા હતા, એના પગ થાંભલા બની ખોડાઈ ગયા હતા. એ ઊંચી નજર કરી વાદળછાયા આકાશમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રમાને જોઈ રહી હતી. હાંદો આગળ જતો હતો અને વાદળી પાછળ રહી જતી હતી. તારે મઢ્યા આકાશમાં એની નજર કંઈક શોધી રહી હતી. બારીમાંથી આઓ પ્રકાશ રેલાતો હતો. આકાશમાંના ઘેરા વાદળમાં ચંદ્ર છુપાઈ જવાને કારણે ક્ષણ બે ક્ષણ ઓરડામાં અંધકાર છવાઈ જતો હતો.
મારા સુધી લંબાયેલો એનો પડાછાયો એકાએક અદ્રશ્ય થઈ જતો હતો. અંધકારમાં એનું શરીર એક છાયા બની રહી જતું હતું, કોઈ ભૂતપ્રેતની માફક.
એને કદાચ એ વખતે યાદ આવ્યું હશે કે હું ઇન્ડિયાનો છું અને એ ઇન્ડિયાની હોવા છતાં અમેરિકાની. હું એક મુસાફર કે પ્રવાસી માત્ર છું, હું કાયમી રહેવાવાળો નથી. હું થોડા સમય માટે જ આવ્યો છું, મારા કામ પૂરતો.
મારો હાથ એના ખભા ઉપર પડતાં એ ચમકી ગઈ. મેં કહ્યું, 'શા વિચારમાં ખોવાઈ ગઈ?'
વીજળીનો શોક લાગ્યો હોય એમ સળિયાને છોડી એ મને વળગી પડી. એ કોઈ શિકારી ની બીકથી હાંફતી હરણીની જેમ હાંફી રહી હતી. નિઃશબ્દ એ મારી સામે જોઈ રહી. એની આંખો ઊભરાઈ આવી. મેં એની આંખો ઉલેચવાનો કોશિશ કરી. એ સમયે બીજી કોઈ વાત કરવાનું મને ઉચિત નહોતું લાગ્યું. એ હિબકે ચડી. એનું ગળું સુકાવા આવ્યું હતું. મેં એને પાણીનો ગ્લાસ ધર્યો. પાણીનો ઘૂંટડોય માંડ ગળેથી ઉતર્યો. એ નીચું જોઈ હાથની આંગળીમાં પહેરેલી નંગવાળી વીંટીને જોઈ રહી હતી એની નાજુક આંગળીઓના સ્પર્શથી નંગ ઉપર બાઝેલી ધૂળ જાણે સાફ કરી રહી હતી. એણે મારી સામુ જોયું. એની આંખના દરિયા છલકાયા ને ઢોળાયા. હું સમજી શકતો હતો એની વેદના.
એ બારીના સળિયાનો સહારો લઈને ઊભી થઈ. ગલી સૂનકાર ઓઢી સૂતી'તી. વિશાળ રસ્તાઓ નિદ્રાધીન અવસ્થામાં પડ્યા હતા. થોડ ક્ષણો એ સૂનકાર અમારી વચ્ચે રેલાઈ ગયો. બારીથી અળગી કરતાં મેં એને કહ્યું, 'હવે આપણે થોડા જ કલાકો સાથે રહેવાનાં છીએ અને તું આમ..'
કદાચ એની પાસે કોઈ પ્રત્યુત્તર ન હતો. એની આંખો છલકાઈ આવી. એની વેદના મને પીડા આપતી હતી. મારાથી કહેવાઈ ગયું. તું પણ ઇન્ડિયા… જો તારી ઇચ્છા હોય તો..'
એના હદયમાં જાણે ધ્રાસકો લાગ્યો. એની આંખો પહોળી થઈ. એનું શરીર ટટ્ટાર થયું. એનો ઘૂંટાતો શ્વાસ એકાએક થંભી ગયો. એણે એનો હાથ મારા મોઢા પર દાબતાં કહ્યું, 'ના.. ના… એવું ન બોલ… તારા જેવો જ વિચાર કદાચ એમને આવ્યો હશે ને… આવા વિચારો કદા સ્ત્રી – પુરુષને એમની વાસ્તવિક દુનિયાથી દૂર ધકેલી દેતા હશે ને એનો શિકાર…'
'સંબંધની પણ સીમા હોય છે. અમુક સંબંધ ઘડીકનો તો અમુક કાયમી. અમુક સંબંધ નજીકનો તો અમુક નજીકનો હોવા છતાં દૂરનો. આપણો સંબંધ પણ નજીકનો હોવા છતાં દૂરનો હતો. આખરે તો સૌથી નજીકનો સંબંધ અપનાવવો જોઈએ. તારો નજીકનો સંબંધ તારી પત્ની છે મારો… ખેર, જવા દે એ બધી વાતો. સાચું કહું તો આ બે વર્ષનો સંબંધ જ મારો સહારો બની રહેશે, મારા હર દર્દની દવા બની રહેશે. જે જોયું, જાણ્યું અને સુખેથી માણ્યું એ જ સાચું, બાકી તો…' એણે એના હાથની આંગળીઓ અને અંગૂઠાની મદદથી આંખો નિચોવી…
મેં એને કહ્યું, 'ભલે આપણે શરીરથી ન મળી શકીએ, પણ હું હંમેશા તને ફોન કરતો રહીશ, પત્રો લખતો રહીશ અને તું પણા મને…'
એણે કહ્યુંઃ 'ના, એનો કોઈ અર્થ નથી.'
મને થયું, એની સાથે વિતાવેલા દિવસો, સંબંધનું આખરી સ્વરૂપ પ્રેમ અને ન કહેવાય એવું ઘણું ઘણું, આ બધું શું… અમારા અંગત બની ગયેલા સંબંધનો આટલો જલદી ભૂતકાળ..?
'જોતજોતામાં બે વર્ષ, બે મહિના, દિવસો અને કલાકો… પછી એક આખરી ક્ષણ… સમયને જતાં કયાં વાર લાગે છે? સંબંધ સીમિત નથી હોતો, સમય સીમિત હોય છે. સંબંધ ભૂતકાળ પણ નથી હોતો, પણ સમય ભૂતકાળ બને છે. સંબંધ તો હંમેશા વર્તમાનની સાથે ચાલનારો છે. કાશ! સમયને જો બાંધી શકાતો હોત! બસ હવે ઘડી-બે-ઘડીનો સાથ… તમારું વિમાન ઊડશે અને હું જોઈશ…'
'બસ, એટલું જ…? એનાથી વિશેષ કાંઈ નહીં?'
એના વીખરાયેલા વાળને ગોઠવતાં એણે કહ્યું, 'સમય ઘણો થઇ ગયો છે. હું જાઉં છું.'
સીડી ઊતરતાં એના ચંપલનો અવાજ પણ પેલા કરતાં સાવ બોદો હતો. ગતિ પણ ધીમી હતી. હું એના પરાણે પછડાતાં પગલાંને જોઈ રહ્યો. એ નીચે ઊતરી. ગાડી સ્ટાર્ટ કરી. ફરી એક નજર મારા ઉપર પછી સ્ટીયરિંગ અને પછી વિશાળ, સૂના અને લાંબા રસ્તા ઉપર. થોડી જ ક્ષણોમાં એની કાયા હવાની લહેરખી બની ઊડી ગઈ અને એની જીવંત કાયા એ ઓરડામાં સમાઈ ગઈ!
એ કદાચ કારમાં હશે, કદાચ ઘરે પણ પહોંચી ગઈ હોય, કદાચ સૂઈ ગઈ હશે. પણ ના…. ઊંઘ તો આબે એવું હતું જ ક્યાં?
રાત્રીના બે થયા હતા. મારી નજર ટી.વી. ના શૉકેસ પર પડેલી ફ્રેમમાં મઢેલા અમારા ફોટા તરફ ગઈ. ફોટામાં એનો ગુલાબી ચહેરો, વાંકડિયાવાળ પિંક કલરનાં સલ્વાર – કુર્તામાં સજેલી એની ભરાવદાર કાયા, એના મરકમરક કરતા હોઠ અને એની નમણી આંખો – બધું મારી આંખોમાં કંડરાઈ ગયું. બધું જ. થયું, ફોટો ફ્રેમ હાથમાં લઈને મન ભરી જોઈ લઉં. હું ઊભો થયો. ફોટોફ્રેમ મારા હાથમાં લીધી ત્યાં કશોક ખખડાટ થયો. મારા ઘરમાં કે કદાચ બાજુવાળાના ઘરમાં.ફ્રેમ મારા હાથમાંથી છૂટી ગઈ. જોડાયેલી બંને ફ્રેમ તૂટીને અલગ થઈ ગઈ. સાંધવા કોશિશ કરી, પણ ન થઈ. મેં દીવાલના ટેકે એને ઊભી રાખી દીધી.
મેં પલંગમાં લંબાવ્યું. ઊંઘ ન આવી. એમ જ આખી રાત વીતી ગઈ. સવારના છાપાવાળાએ મારા વિચારોની દુનિયામાંથી મુક્ત કર્યો. હું છાપું વાંચતો હતો.
એ આવી. પલંગ પર બેઠી. બાજુમાં પડેલા ટેબલ પર ગોઠવેલી તૂટેલી ફોટોફ્રેમ જોઈ રહી. મેં કહ્યું, 'રાતે મારા હાથમાંથી પડી ગઈ અને તૂટી ગઈ!'
એણે મારી સામે જોયું ને ફરી એની આંખો નીચે ઢળી પડી. એની આંખોમાં ઘેન હતું. કદાચ આખી રાત સૂતી નહીં હોય. એની આંખોમાં પોપચાં ઊપસી આવ્યાં હતાં. મેં એને સુવડાવવાની કોશિશ કરતાં કહ્યુંઃ 'તારી આંખો ભારે લાગે છે. કદાચ તું આખી રાત સૂતી નથી. થોડી વાર આરામ કરી લે, પ્લીઝ!'
એણે જાણે કશું જ સાંભળ્યું ન હતું. એની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં હતાં. એની આંખો છલકાઈ આવી હતી. એના ચહેરા ઉપર ચીપકી ગયેલું સ્મિત જાણે ખરી પડ્યું. હંમેશા સ્વચ્છ અને પહોળી રહેતી એની આંખોમાં સ્પષ્ટ દેખાતો મારો ચહેરો મને ધૂંધળો લાગ્યો. હર દિન કંઈક નવું જોવાની ઇચ્છા રાખતી એની આંખો હંમેશા નીચું જોવાનો પ્રયત્ન કરતી રહેતી. એનું બનાવટી સ્મિત અને છુપાવી રાખવા મથતી પીડા આપો આપ ચહેરા પર છતાં થઈ જતાં હતાં.
એરપૉર્ટ હવે દૂર ન હતું. સીટના ટેકા પર રાખેલો મારો હાથ એના ખભા પર પડતાં એના વિચારોમાં વિક્ષેપ પડ્યો. એણે મારી સામે જોયું. બીજી જ ક્ષણે નજર હટાવી બારીમાંથી દેખાતાં દ્રશ્ય જોવા લાગી. હું એની સામે જોઈ રહ્યો હતો, છતાં મારી સામે જોવાનું ટાળતી હતી.
એરપૉર્ટ આવ્યું. અમે નીચે ઊતાર્યા. મારી બૅગ એની પાસે હતી. બાકીનો સામાન મારી પાસે હતો.
એનાઉન્સમેન્ટ થઈ રહી હતી. લોકો પોતાના લગૅજ સાથે આમતેમ ઘૂમતા હતા. કોઈ પોતાના સ્થાન પર બેઠા હતા. કોઈ માતા કદાચ પોતાના દીકરાને વળાવી રહી હતી. કોઈ બહેન પોતાના ભાઈને, તો કોઈ પ્રિયતમા એના પ્રિયતમને. કોઈના હૈયામાં આનંદ હતો, તો કોઈના હૈયામાં દુઃખ. કોઈનામુખ પર મુસ્કુરાહટ, તો કોઈના મુખ પર વિષાદ. વસમી વિદાયના દ્રશ્યો ખડાં થતાં હતાં.
હવે વિમાન તરફ જવાનું હતું મેં એને કહ્યું, 'હવે તું જા.'
જાણે એણે કંઈ સાંભળ્યું જ નહોતું. અથવા તો મારો અવાજ જ કાન સુધી પહોંચ્યો ન હતો અથવા સાંભળ્યું હતું તો એની પાસે કોઈ પ્રત્યુત્તર ન હતો. એની આંખો ઊભરાઈ આવી હતી. હું જે કહી રહ્યો હતો એ જાણે પથ્થર પર પાણી! મને થયું, એની સુંદર – રૂપાળી કાયાને બાથમાં લઈ એકવાર ચૂમી લઉં, એનાં ઝુલફાંને એક વાર સંવારી લઉં, પણ એટલી હિંમત જ ક્યાં હતી મારામાં? એ પણ ઇચ્છતી હશે કે હંમેશની જેમ એ પણ મારી બાહોમાં સમાઈ જાય ને એક ચુંબન આપી દે. પણ એવું કશું ન થયું. એનામાં પણ હિંમત ખૂટી ગઈ હશે ને એટલે જ દૂર રહેવા ઇચ્છતી હશે.
બધા પ્રવાસીઓ વિમાન તરફ જવા લાગ્યા. હું પણ ગયો. બારી પાસે મારી સીટ હતી. બારીમાંથી બહાર જોયું, આકાશમાંથી તીખો તડકો વરસી રહ્યો હતો. કાચમાંથી દેખાતો એનો ચહેરો મને રેળાતો લાગ્યો.
વિમાનના એન્જિનના થડકારા સાથે મારા હદયના ધબકારાની ગતિ પણ વધી ગઈ. વિમાન રન-વે પર ચાલતું અનુભવ્યું. મેં ઊંડો શ્વાસ લીધો. ગંઠાયેલા શ્વાસને બહાર કાઢવા કોશિશ કરી. મેં આંખો બંધ કરી. બંધ આંખોના અંધારામાં એનો ચહેરો મને સ્પષ્ટ દેખાયો. એની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.
હું જાણે બધું જ છોડી જઈ રહ્યો હતો – બધું જ. બે વર્ષ પહેલાં આ જ રીતે મારાં સ્વજનોએ મને વિદાય આપી હતી, ત્યારે તેમની આંખોમાં દુઃખ સાથે હર્ષના આંસુ હતાં, એટલા માટે કે હું વિદેશ જઈ રહ્યો હતો એનો આનંદ પણ. આજે પણ એ લોકો એટલાં જ ખુશ હશે. એટલી જ આતુરતાથી મારી રાહ જોઈ રહ્યાં હશે. બમણો આનંદ હશે એમના ચહેરા ઉપર.
પણ એનો ચહેરો તો સાવ ફિક્કો હતો – સાવ ફિક્કો. એ કશીય આશા વગર મને વિદાય આપી રહી હતી. એની આંખોમાં માત્ર વિરહનાં જ આંસુ હતાં. એક થડકારા સાથે વિમાન ઊંંચકાયું. હું પણ… અને એ…
- રમેશ કે. પુરબિયા
પુસ્તક – વાર્તાઉત્સવ
Feedback :
rajmcprojects@gmail.com
Facebook:
www.facebook.com/errakeshr