પ્લીઝ તું વધારે પડતી હમદર્દી ન બતાવ!
----------------------------------------------
ચિંતનની પળે-કૃષ્ણકાંત ઉનડકટ
----------------------------------------------
આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા,
આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સમગવા નથી દેતા.
-રઇશ મનીયાર
----------------------------------------------
દરેક વ્યક્તિને કોઈક ઉપર લાગણી હોવાની જ. દરેક માટે કોઈ વ્યક્તિ ખાસ હોવાની જ. આપણને જેના ઉપર લાગણી હોય એની કેર કરવાનું આપણને ગમતું હોય છે. ઘણી વખત આપણે આપણી ફરજ સમજીને પણ કોઈનું ધ્યાન રાખતાં હોઈએ છીએ. જેના પ્રત્યે સ્નેહ હોય એ ક્યાંય ગયા હોય તોપણ આપણે પૂછી લેશું કે, બરાબર પહોંચી ગયા? કોઈ તકલીફ તો નથી પડીને? બધું કમ્ફર્ટેબલ છે ને? કંઈ કામ નથીને? આપણને ખબર હોય કે એ પહોંચી વળે એમ છે તોપણ આપણે તેની ખબર પૂછી જોશું. કંઈક પ્રોબ્લેમ થશે તો સહુથી પહેલો મને ફોન કરશે, એની ખબર હોય તોપણ આપણે સામે ચાલીને ચેક કરીશું. આવું થવું સ્વાભાવિક છે. જેના પર સ્નેહ હોય એની ચિંતા થાય એ પણ એક પ્રકારનો પ્રેમ જ છે. આમ છતાં એક હકીકત એ છે કે, હમદર્દીનો પણ અતિરેક ન થવો જોઈએ. ઘણી વાર માણસ એટલું બધું ધ્યાન રાખતો હોય છે કે સામા માણસને ગૂંગળામણ થવા લાગે.
આપણે આપણી અંગત વ્યક્તિને કહેતા હોઈએ છીએ કે, આઈ એમ ધેર ફોર યુ ઓલવેઝ. અડધી રાતે યાદ કરજે ને હું હાજર હોઈશ. સારી વાત છે આવું હોવું જોઈએ. જોકે, જ્યાં સુધી કોઈ સાદ ન પાડે ત્યાં સુધી હોકારો દેવાનો પણ કોઈ મતલબ હોતો નથી. વધારે પડતી કેર કરીને ઘણી વખત આપણે આપણી વ્યક્તિનું જ અહિત કરતાં હોઈએ છીએ. હું છું ને, હું કરી દઉં છું ને, તું ચિંતા ન કર. આવું કરીને આપણે તેને કંઈ કરવાની છૂટ કે મોકો જ આપતાં હોતા નથી. હમદર્દી અને સહાનુભૂતિની પણ એક મર્યાદા હોવી જોઈએ. કોઈને એટલા પેમ્પર ન કરો કે એ પાંગરી જ ન શકે! એને દોડવા દો, પડે ત્યારે જ એને ઊભા કરવા જાવ. બનવા જોગ છે કે એ ન પણ પડે.
ઘણા લોકો એટલા માટે કોઈના ઘરે જતાં હોતા નથી, કારણ કે એ ત્યાં પોતાની રીતે રહી શકતા નથી. જેના ઘરે ગયા હોય એ પાછળને પાછળ ફરતાં હોય છે. એની દાનત ધ્યાન રાખવાની હોય છે. આપણે કહીએ કે જરૂર હશે તો હું કહી દઈશ, તોપણ એ કેડો છોડતા નથી. દોસ્તી, પ્રેમ અને લાગણીમાં મોકળાશ જરૂરી હોય છે. જરૂર પડે ત્યારે હાજર હોઈએ એ પ્રેમ છે, પણ જરૂર ન હોય ત્યારે ગેરહાજર રહેવું એ સમજણ છે.
'ના તારે આમ નથી રહેવું. હું બધી વ્યવસ્થા કરી આપું છું.' વધારે પડતો ઉત્સાહ બનાવીને આપણે ઘણી વાર આવું કહેતા હોઈએ છીએ. કોઈને ન ગમતું હોય, મદદ લેવી ન હોય, સહાનુભૂતિ ન મળતી હોય તોપણ આપણે આપણો કક્કો છોડતા નથી. આપણને યોગ્ય લાગે એમ જ કર્યા રાખીએ છીએ. સામેની વ્યક્તિને યોગ્ય લાગે એમ જ કર્યા રાખીએ છીએ. સામેની વ્યક્તિને યોગ્ય લાગે છે કે નહીં તેની પરવા પણ નથી કરતા. રાજકોટના કાટૂર્નિસ્ટ મિત્ર નીતિન ભટ્ટે હમણાં એક પંક્તિ મોકલી આપી. 'એમને અંધકાર માફક હતો અને અમે દીવો કરી બેઠાં!' દરેક વખતે અજવાળું જ ખપતું હોય એવું જરૂરી નથી. ક્યારેક અંધકાર પણ રૂડો લાગે છે. ક્યારેક એકલું રહેવું ગમતું હોય છે. પ્લીઝ લીવ મી અલોન કરી દીધા પછી પણ કોઈ ન છોડે ત્યારે ત્રાસ વર્તાતો હોય છે.
તમે તમારી ભૂમિકા જેટલી ભજવાની હોય એટલી જ ભજવો છો? એક કલાકારે સરસ વાત કહી હતી કે એક્ટિંગ યોગ્ય હોવી જોઈએ, ઓવર એક્ટિંગથી માણસ ઓળખાય જાય છે. હમદર્દી માટે પણ આ વાત એટલી જ લાગું પડે છે. ભૂમિકા ભજવવાની હોય ત્યારે જ મંચ ઉપર આવવું અને ભૂમિકા પૂરી થાય એટલે મંચ છોડી દેવો એ જ સાચા વ્યક્તિની ઉમદા નિશાની છે. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે નાની-નાની બાબતે મતભેદ થતા. પત્નીના એક મિત્રને આ વાતની ખબર પડી. તેણે પોતાની ફ્રેન્ડને અમુક વાત સમજાવી. તું તારા પતિ સાથે આવું વર્તન કર. તારા સ્વભાવમાં થોડુંક પરિવર્તન કર. એ છોકરીએ મિત્રની સલાહ માનીને પોતાનામાં પરિવર્તનો કર્યા. તેનામાં પોઝિટિવ પરિવર્તન જોઈ પતિના વર્તનમાં પણ સુધારો થયો. પત્નીના મિત્રએ પછી પતિ સાથે પણ દોસ્તી કેળવી અને તેને પણ થોડાક સુધારા કરવા કહ્યું. બંને હવે સરસ રીતે રહેતા હતા. મિત્રની દાનત ઉમદા હતી. તે એવું જ ઇચ્છતો હતો કે તેની મિત્ર અને તેનો પતિ ખૂબ સરસ રીતે રહે. પતિ-પત્ની વચ્ચે બધુ સરખું થઈ ગયું પછી પણ એ મિત્ર બંનેને સલાહો આપ્યા જ રાખતો. એક દિવસ પેલી છોકરીએ તેના મિત્રને કહ્યું કે, તારી લાગણી હું સમજું છું. તું અમારા બંનેનું ભલું ઇચ્છે છે એ પણ મને ખબર છે. આમ છતાં તને એક રિક્વેસ્ટ છે કે હવે તું વધુ પડતી ચિંતા ન કર. વધુ સલાહ ન આપ. તારી જરૂર પડશે તો હું તને ચોક્કસ કહીશ. હવે અમને અમારી રીતે રહેવા દે. અમને અમારી રીતે જીવવું છે. તારી રીતે નહીં.પાટા ઉપરથી ગાડી ઉતરી ગઈ હતી ત્યારે તે આવીને ગાડી પાટા પર ચડાવી દીધી, પણ હવે એને ધક્કા મારવાનું છોડી દે.
કુદરતે દરેક વ્યક્તિને પોતાની લડાઈ લડવાની તાકાત આપેલી જ હોય છે. એના વતી લડાઈ કરવા નીકળવાની જરૂર નથી. હા, જરૂર પડે ત્યાં ઢાલ બનો પણ એની લડાઈ એને જ લડવા દો. કોઈની લડાઈ લડીને આપણે ઘણી વખત એની શક્તિ જ છીનવતાં હોઈએ છીએ. પ્રોત્સાહન આપો પણ એને એની રીતે લડવા દો અને જીવવા દો. એક ફેમિલીની આ વાત છે. એક યુવાનનું નાની વયે અવસાન થયું. તેની પત્ની અને બે બાળકો હતાં. ફેમિલીને ચિંતા થઈ કે હવે તેનું શું થશે? બધાએ કહ્યું કે તું જરાયે ચિંતા ન કરતી. અમે બધા જ બેઠાં છીએ. સારી વાત છે. આવું ફેમિલી હોય ત્યારે મુશ્કેલીમાં મૂકાયેલ વ્યક્તિને ધરપત રહે છે.
થયું એવું કે પછી પરિવારજનો મરનાર યુવાનની પત્નીને રેઢી જ ન મૂક્તા. કોઈનેકોઈ તેની સાથે હોય. તેનું બહું જ ધ્યાન રાખે. આખી સ્થિતિ જોઈને એક વડીલે બધાને કહ્યું કે હવે એને એવી રીતે રહેવા દો. એની શક્તિને તમે કેમ ઓછી આંકો છો? એનામાં જે મૂળી છે એને બહાર આવવા દો. એ એના સંતાનોનું ધ્યાન રાખી શકે એટલી સક્ષમ છે. સારા-નરસાનું તેને ભાન છે. પતિની જગ્યાએ એને જોબ પણ મળી ગઈ છે. એના નિર્ણયો એને લેવા દો. એના વતી બધા જ નિર્ણયો તમારે કરવાની કંઈ જરૂર નથી. એને કામ પડશે તો એ કહેશે. તેને માત્ર ભરોસો આપો કે મુશ્કેલી પડશે તો અમે છીએ. એ મુશ્કેલીમાં જ છે એવું ન સમજો.
કોઈના હિતની એટલી બધી ચિંતા પણ ન કરો કે જાણે-અજાણે એનું અહિત થઈ જાય. દરેકની સુખની વ્યાખ્યા પોતાની હોય છે જે વ્યક્તિને પોતાની રીતે સુખી રહેતા આવડતું હોય એને એની રીતે રહેવા દેવી જોઈએ. એને દુ:ખી સમજીને આપણે ઘણી વખત એનું સુખ છીનવતા હોઈએ છીએ. સ્નેહ પણ સતામણી ન બની જાય એની તકેદારી રાખવી જોઈએ. પંખી પાંજરામાં સેઇફ હોય છે, પણ પાંજરામાં આકાશ હોતું નથી!
છેલ્લો સીન :
કોઈને તરસ લાગી હોય ત્યારે તેની તરસ છીપાય એટલું જ પાણી આપો, વધુ પડતું પાણી ક્યાંક એને ડૂબાડી ન દે!
-કેયુ
('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 09 ડિસેમ્બર 2015, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ)
No comments:
Post a Comment